ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે. જેમાં તેને ફિક્સ પગારની નીતિ અંતર્ગત એક વિભાગમાંથી બીજા વિભાગમાં જોડાયેલા કર્મચારીઓને તેમની અગાઉની સેવાકાળનો લાભ આપવામાં આવે. ‘બીજા વિભાગમાં જોડાયા બાદ પૂર્વ સેવા સમયગાળો માન્ય કરવામાં આવતો નથી’
ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ સરકારી વિભાગોમાં વિવિધ ભરતી વર્ગ-૩ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓમાંથી કેટલાક કર્મચારીઓ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર પર સેવા પૂરી કર્યા બાદ વિવિધ પરિસ્થિતિઓને કારણે બીજા વિભાગમાં જોડાય છે. પરંતુ નવી જગ્યાએ તેઓને પૂર્વ સેવા સમયગાળો માન્ય કરવામાં આવતો નથી, જેના કારણે તેમનું વેતન, રજા, પેન્શન સહિતના લાભોમાં મોટું નુકસાન થાય છે. ફિક્સ પગારની નીતિના કારણે પૂર્વ સેવાકાળ ગણાતો નથી
ફેડરેશનના જણાવ્યા અનુસાર, આ સમસ્યા ખાસ કરીને તેઓને અસર કરે છે જેઓએ એક વિભાગમાં ફરજ બજાવી સરકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને પછી અન્ય વિભાગમાં નવી ભરતી હેઠળ જોડાયા છે. પરંતુ ફિક્સ પગારની નીતિની ટેકનિકલ મર્યાદાઓને કારણે તેમનો પૂર્વ સેવાકાળ ગણાતો નથી. નિયમનો અમલ થતો નથી
ફેડરેશને ઉલ્લેખ કર્યો છે કે સામાન્ય વહીવટ વિભાગે 1988 અને 2005ના વિવિધ ઠરાવોમાં ફિક્સ પગારના કર્મચારીઓને જોડાણ સમયે અગાઉના સેવાકાળનો લાભ આપવાની સ્પષ્ટતા કરી છે, પરંતુ હાલની ભરતી પ્રણાલીમાં આ નિયમનો અમલ થતો નથી. યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવા માગ
ધી ગુજરાત સચિવાલય ફેડરેશને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, ફિક્સ પગારની નીતિ અંતર્ગત એક વિભાગમાંથી બીજામાં જોડાયેલા કર્મચારીઓને તેમની સંપૂર્ણ સેવા દરમિયાનના સમયગાળાનો લાભ (રજા, પેન્શન, વેતન) મળવો જોઈએ અને તે માટે યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. કર્મચારીઓને ન્યાય મળે તે માટે સરકારને અપીલ
ફેડરેશને આ પ્રશ્નને મહત્ત્વપૂર્ણ ગણાવતા જણાવ્યું છે કે, હજારો કર્મચારીઓ આ નીતિની અસરોને કારણે વેતન અને નિવૃત્તિ લાભોથી વંચિત છે. તેથી તાત્કાલિક યોગ્ય નિર્ણય લઇ કર્મચારીઓને ન્યાય મળે તે માટે સરકારને અપીલ કરવામાં આવી છે.