'દીકરાની ચિતા ઠંડી નથી થઈ ત્યાં આરોપીને જામીન મળ્યા':કાળ બની મારો દીકરો ખાઈ ગયો:માતા, ભાભુએ રડતા રડતા કહ્યું-આ અકસ્માત નહીં હત્યા, રાજકોટનો BMW અકસ્માત કેસ
9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એકટીવા પર જતા અભિષેક નાથાણીને હડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ. જે ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતક યુવાનના પરિવારજનો પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માગણી કરતા દિવ્યભાસ્કરના કેમેરામાં નજરે પડે છે. પરિવારનું કેવું છે કે આ ઘટનામાં હિટ એન્ડ રન કે મનુષ્યવધ ની કલમ શા માટે લગાવવામાં ન આવી? લાયસન્સ શા માટે સસ્પેન્ડ ન કરાયું? જેલમાં શા માટે ન પૂરવામાં આવ્યો ? મૃતક યુવાનના માતા અને ભાભુએ આરોપીને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ સમક્ષ માંગણી કરી છે. અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે, મારા દીકરાની ચિતાની આગ ઠંડી નથી થઈ તે પહેલા જ અકસ્માત કરતા કાર ચાલક આરોપીને જામીન કઈ રીતે મળી ગયા ? તેની ઉપર હિટ એન્ડ રનની કલમ કેમ લગાડવામાં આવી નથી. તેને સાદી કલમ લગાવી કેમ છોડી દેવામાં આવ્યો. ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. અને આ શખ્સને જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પૈસા ખાઈ ગઈ છે. સામેવાળા પૈસાવાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે. સરકાર સમક્ષ અમારી ન્યાયની માંગણી છે. આ કાળ બનીને આવ્યો અને મારા દીકરાને ખાઈ ગયો છે. આ પ્રકારના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું જ ન જોઈએ. મૃતક અભિષેકના ભાભુ તારા બેને જણાવ્યું હતું કે, આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનું ખૂબ જ દુઃખ છે. અમારો સુરજડૉ આથમી ગયો છે અને તેથી અમારી એક જ માગણી છે તે તો સરકારના કાયદામાં જોગવાઈ હોય તો આવા શખ્સોને ફાંસીની સજા આપો. પોલીસ દ્વારા આરોપીનું મોં છુપાવવામાં આવે છે. અન્ય કોઈ હોય તો તેને પોલીસ કુકડા બનાવે છે. આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે કારણ કે ગુનેગારનું એવું છે કે મેં બ્રેક ઉપર પગ જ રાખ્યો નથી. આ પ્રકારના ગુનેગારોને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો જ આ પ્રકારના ગુનાઓ સમાજમાં અટકશે મારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તમે આમાં કંઈક કરો કારણ કે આજે એક રાતમાં અમારો એક દીકરો ગયો છે. આવા દસ જશે તો ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. ગૃહ મંત્રી અને પોલીસ ખાતાવાળા ને મારું કહેવું છે કે જો તમારા દીકરા સાથે આવું થયું હોય તો તમે શું કરો? આ પ્રકારના શખ્સોને સમાજ સામે ખુલ્લો કરવો જોઈએ. અંતમાં તેમણે સવાલ કર્યો હતો કે, લર્નિંગ લાઇસન્સ ન હોય તો તેના માતા-પિતાને સજા થાય છે તો આવડો મોટો ગુનો કરે તો તેને કોઈ જ સજા ન થાય ? તારાબેને વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તેમના પરિવારમાંથી છ થી સાત પુરુષો ગઈકાલે અમારે ત્યાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ અમારા બધા સાથે બેઠા હતા. કોઈ વાતચીત થઈ ન હતી. તે વખતે અમે બધા મહિલાઓએ અકસ્માત સર્જનારના પિતાને કહ્યું કે દીકરાને આવા સંસ્કાર ન આપવા જોઈએ. જોકે તેની સાથે આવેલા એક શખ્સે કહ્યું કે આ તો અમે મળવા આવ્યા નહીંતર તમે શું કરી લેવાના હતા ? આજે અમને નાની ધમકી આપીને ગયા છે કાલે સવારે અમને મોટી ધમકી આપશે. ધમકી આપીને અમારું મોઢું બંધ કરવા માંગે છે. જે બાદ તેમના ભાભુ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. અભિષેકની પિતરાઈ બહેન શ્વેતાએ જણાવ્યું હતું કે, અમે અમારો છે ભાઈ ખોયો છે તેને ન્યાય મળવો જોઈએ. અકસ્માત સર્જનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે તે અંગે પોલીસ દ્વારા અમને કોઈપણ જાતનું અપડેટ મળ્યું નથી. તેનું નામ શું છે તેની પણ જાણ કરવામાં આવી નથી. પોલીસવાળાએ પૈસા લીધા છે કે શું છે તે અમને ખબર નથી. આ માટે હવે સમાજે અવાજ ઉઠાવવો જોઈએ. ઘટના સ્થળે જ્યારે પહોંચ્યા ત્યારે પણ તે વ્યક્તિને પોલીસ ક્યાંથી લઈ ગઈ હતી અને મોઢું પણ છુપાવવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના વ્યક્તિને ખુલ્લા કરવામાં આવે અને ખરેખર તે જ વ્યક્તિને પકડ્યો છે કે કેમ તે પણ જાહેર કરવામાં આવે. અમને પણ પોલીસે તે વ્યક્તિના મોઢે રૂમાલ બાંધેલો જ દેખાડવામાં આવ્યો હતો. અભિષેકના ભાઈજી હરીભાઇએ જણાવ્યું હતું કે, અમારો દીકરો ગયો છે તો અમને ન્યાય મળે તેવી જ અમારી માંગણી છે. આ બનાવમાં પોલીસની બેદરકારી છે તેમના દ્વારા કોઈ કલમ જ લગાવવામાં આવી નથી. હિટ એન્ડ રન કે માનવ વધની કલમ લગાવવામાં આવી નથી. આરોપીને 24 કલાક પહેલા જ જામીન મળી ગયા તે દુઃખદ ઘટના કહેવાય. અકસ્માત સર્જનારને એહસાસ થવો જોઈએ કે બીજી વખત તે કોઈનો જીવ ન લે. અભિષેક ના પિતા દેવેન્દ્રભાઈને ફર્નિચરનું કારખાનું છે અને વાલ્વની બિમારી છે. અકસ્માત કરનારા છૂટી જાય છે તે સરકારની બેદરકારી છે આ પ્રકારના વ્યક્તિને જેલમાં જ રાખવો જોઈએ અને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે વ્યક્તિએ કોઈનો જીવ લીધો છે. સરકારે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ.
