Divya Bhaskar Gujarat

દિવ્યભાસ્કર ઈંપેકટ:રાજકોટનાં સરદાર પટેલ માર્ગ પર ખાડા અંગે અહેવાલ પ્રકાશિત થતા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી સફાળું જાગ્યું, 48 કલાકમાં નવા ડામર રોડનું કામ શરૂ

Published: November 4, 2025 • Language: English

રાજકોટનાં સરદાર પટેલ માર્ગ પર ખાડાઓથી હજારો વાહન ચાલકો હાલાકી ભોગવતા હતા. બે દિવસ પહેલા દિવ્યભાસ્કર દ્વારા આ વિસ્તારના લોકોની વેદનાને વાચા આપતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અનેક રજૂઆતો છતાં કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ મનપા તંત્ર આ અહેવાલ બાદ સફાળું જાગ્યું હતું. અને બીજા જ દિવસે સર્વે કરાવી 48 કલાકમાં ડામર રોડનું કામ પણ શરૂ કરાયું છે. અનેક ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓને રજૂઆત છતાં જે સમસ્યા ઉકેલાતી નહોતી તેનો દિવ્યભાસ્કરનાં અહેવાલ બાદ ગણતરીની કલકોમાં નિકાલ થતા અહીં વસવાટ કરતા લોકોએ આભાર માન્યો હતો. સરદાર પટેલ માર્ગ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી નામની સોસાયટીનાં પ્રમુખ રાજુભાઇ સાવલિયા દ્વારા પણ આ હકીકતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને રાજુભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા લગભગ બે વર્ષથી આ રોડ જર્જરિત બન્યો હતો. આ અંગે અમે સ્થાનિક નગરસેવકો સહિતનાને અનેક રજૂઆતો કરી હતી. પણ તંત્રના પેટનું પાણી હલતું નહોતું. જોકે બે દિવસ પહેલા દિવ્યભાસ્કર દ્વારા આ વેદનાને વાચા આપવામાં આવી હતી. જેના પરિણામે તંત્ર સફાળું જાગ્યું હતું. અને કાલે સર્વે કર્યા બાદ આજે 48 કલાકમાં નવો ડામર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે અમે દિવ્યભાસ્કરનાં આભારી છીએ. જાણો શુ હતો સમગ્ર મામલો રાજકોટનાં મોકાજી સર્કલ પાછળ આવેલો અને સતત ટ્રાફિકથી ધમધમતો સરદાર પટેલ માર્ગ છેલ્લા બે વર્ષથી જર્જરિત બન્યો હતો. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. એટલું જ નહીં અહીં કરોડોની કિંમતના ફ્લેટ-બંગલા આવેલા છે છતાં રસ્તાની હાલત ગામડા જેવી હતી. અને રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે પણ કહેવું મુશ્કેલ લાગી રહ્યું હતું. જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને જણાવ્યું હતું કે, નેતાઓ માત્ર મત લેવા માટે જ આવે છે. જોકે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયાનાં 48 કલાકમાં નવો ડામર રોડ બનાવવાનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અને બે વર્ષથી જે કામ થતું નહોતું તે માત્ર બે જ દિવસમાં થવા બદલ દિવ્યભાસ્કરનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ માર્ગ રાજકોટનો પોષ વિસ્તાર છે અને અહીં કરોડોની કિંમતનાં ફ્લેટ-બંગલા આવેલા છે. આમ છતાં છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી આ રસ્તાની હાલત ગામડાઓ જેવી હોવાને કારણે આ વિસ્તારમાં રહેતા તેમજ અહીંથી નિયમિત અવરજવર કરતા લોકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી હતી. જોકે તંત્ર દ્વારા હંમેશની જેમ ટૂંક સમયમાં જ આ રસ્તાનું કામ કરવાનું આશ્વાસન આપવામાં આવતું હતું. પરંતુ દિવ્યભાસ્કરનાં અહેવાલ બાદ તરત જ સર્વે કરીને નવો ડામર રોડ બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Read more

← Back to Home