દિવાળી વેકેશનમાં બરડા સફારીમાં પ્રવાસીઓનો ધસારો:પ્રથમવખત એકસાથે અગિયાર સિંહબાળ જોવા મળતાં પ્રવાસીઓ રોમાંચિત!
પોરબંદર જિલ્લાના બરડા જંગલ સફારીનો પ્રારંભ તા. 7મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો છે, ત્યારે દિવાળી વેકેશનને લઈને અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ માત્ર વન્યજીવ સૃષ્ટિ જ નહીં, પરંતુ બરડાના આહલાદક કુદરતી સૌંદર્યનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે. અગિયાર સિંહબાળનો અદભૂત નઝારો વાઇરલ
આ વર્ષની સફારીની શરૂઆત અત્યંત રોમાંચક બની રહી છે. બરડા જંગલ સફારીમાં પ્રથમવખત એકસાથે અગિયાર સિંહબાળ (બાળસિંહ) જોવા મળવાનો એક વીડિયો વાઇરલ થયો છે. સિંહોના આ વિશાળ પરિવારે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો
જંગલ સફારી ખુલ્લી મુકાઈ ત્યારથી અત્યારસુધીમાં 100થી વધુ પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો છે. હાલમાં વેકેશનનો સમય ચાલતો હોવાથી પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, તા. 26મી ઓક્ટોબર સુધીમાં 26 પ્રવાસીએ એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી બરડાના જંગલની મજા માણવા આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વખતે એટલે કે તા. 29 ઓક્ટોબર, 2024થી તા. 15 જૂન, 2025 સુધીના સમયગાળામાં કુલ 2,748 પ્રવાસીએ બરડા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થતો હતો. બરડા સફારીનું કુદરતી સૌંદર્ય
બરડા જંગલ સફારી માત્ર સિંહો પૂરતી સીમિત નથી, પરંતુ અહીં પ્રવાસીઓ વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ અને જીવસૃષ્ટિ, કુદરતી તળાવ અને ઝરણાં, કિંમતી વનસ્પતિઓ અને ગાઢ હરિયાળી તેમજ ડુંગર સહિતના કુદરતી સ્ત્રોતના આહલાદક દૃશ્યો માણી રહ્યા છે. વન વિભાગ અને સ્થાનિક તંત્રએ પ્રવાસીઓની સલામતી માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે.
Read more
