દિલ્હી બ્લાસ્ટ બાદ સચિવાલયમાં પણ દરેક ગાડીનું સઘન ચેકિંગ:સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી, પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક તપાસ માટે સૂચના
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે.દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, બસ-રેલવે સ્ટેશનો અને મુખ્ય જાહેર સ્થળોએ નાકાબંધી સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.રાજ્યના તમામ શહેર અને જિલ્લાની પોલીસને વાહન ચેકિંગ, વધારેલા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક તપાસ માટે સૂચના અપાઈ છે.આજે ગાંધીનગર સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. દરેક ગાડીનું ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ અને સુરક્ષા દળો સતત એલર્ટ પર છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત પગલા લેવા માટે તૈયાર છે.
