દિલ્હી બ્લાસ્ટને પગલે અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ:અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવાના હતા, બોરિયાવી સહિતના કોઈ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 13 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જોકે દિલ્હી ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને લઈને ગૃહ મંત્રી દ્વારા વ્યસ્ત હોવાને લઈને ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાઈ શકે છે. ગૃહ વિભાગ સાથે સતત બેઠકોમાં વ્યસ્ત
ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 12 નવેમ્બરના રોજ રાત્રે અમદાવાદ આવવાના હતા. આવતીકાલે 13 નવેમ્બરના રોજ અમદાવાદ અને મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીરતાથી આ બાબત પર ધ્યાન રાખી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી અને આ કેસ પર ધ્યાન આપી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ રદ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ પર સતત નજર
13 નવેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રદાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી મહેસાણાના બોરીયાવી ખાતે પણ સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવાના હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી દિલ્હીમાં થયેલા હુમલા કેસની તપાસ પર સતત નજર રાખી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા આ કાર્યક્રમ રદ કરી અને માત્ર તેના ઉપર જ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
