Gujarati News

દિલ્હી બ્લાસ્ટના પગલે સુરત પોલીસ હાઈએલર્ટ પર:2008 બોમ્બ પ્લાન્ટ સહિત 15 કેસના સ્લીપર સેલ પર બાજ નજર,સાયબર ટીમ સક્રિય; હજીરાના ઔદ્યોગિક એકમોને સાવચેત કરાયા

Published: November 11, 2025 • Language: English

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ સફાળી જાગી છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સુરતમાં સ્લીપર સેલની ગતિવિધિઓને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. 15 સંવેદનશીલ કેસોના આરોપીઓનું લિસ્ટ તૈયાર
પોલીસ કમિશનરે જણાવ્યું કે, સુરતમાં ભૂતકાળમાં બોમ્બ પ્લાન્ટ જેવા સંવેદનશીલ કેસો સહિત કુલ 15 જેટલા ગંભીર કેસો સાથે સંકળાયેલા તમામ આરોપીઓ અને શંકાસ્પદ લોકોનું એક વિસ્તૃત લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સુરત પોલીસ આ તમામ 15 કેસ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે અને તેમની દરેક હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી છે. સાયબર ટીમ સક્રિય, ડાર્ક વેબ પર નજર
સુરક્ષા માત્ર ફૂટ પેટ્રોલિંગ કે બંદોબસ્ત પૂરતી સીમિત નથી. સુરત પોલીસે હવે સાયબર ટીમને પણ સંપૂર્ણપણે એક્ટિવ કરી છે. સોશિયલ મીડિયા પર વાંધાજનક કમેન્ટ્સ કરનારા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરનારા અને ખાસ કરીને ડાર્ક વેબનો ઉપયોગ કરનારા લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને શરૂઆતમાં જ ડામી શકાય. કોસ્ટલ એરિયા અને હજીરાના ઔદ્યોગિક એકમોને સાવચેત કરાયા
સુરતનો કોસ્ટલ વિસ્તાર શહેરના ચાર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, જે સંવેદનશીલ ગણાય છે.આ વિસ્તારની સુરક્ષા માટે મરીન પોલીસને એલર્ટ કરાઈ છે.તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવાયા છે. સરપંચોને સૂચના અપાઈ છે કે, ગામમાં કોઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. સાથે જ, સુરતના વિશાળકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરાના તમામ ઉદ્યોગોને પણ હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ઉદ્યોગોમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગત રાખવા અને તેના દસ્તાવેજો ચકાસવા માટે કડક સૂચના અપાઈ છે. વાહન વ્યવહાર પર પણ નિયંત્રણ
વાહનોની લે-વેચ કરનારા તમામ વેપારીઓ અને લોકોને પણ પોલીસ કમિશનરે ડોક્યુમેન્ટ્સ ચકાસવા અને યોગ્ય દસ્તાવેજો રાખીને જ વ્યવહાર કરવાની સૂચના આપી છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિમાં વાહનોનો ઉપયોગ ન થાય.

Read more

← Back to Home