દાહોદ કલેક્ટર કચેરીમાં વંદે માતરમનું સમૂહગાન:અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશી ઉપયોગના શપથ લીધા
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાનો શપથ લીધો હતો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા “વંદે માતરમ @150” ઉજવણી અંતર્ગત યોજાયો હતો. રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પોલીસ અધિક્ષક કચેરી સહિતની સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રગીતના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા અને જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દેશપ્રેમની ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
