Gujarati News

દાહોદમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી:જનજાતીય ગૌરવ દિવસ માટે આયોજન બેઠક, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આપ્યા સૂચનો

Published: November 8, 2025 • Language: English

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે એક આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે વિવિધ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠક પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દેવેન્દ્ર મીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વિભાગને સોંપાયેલી કામગીરી સમયસર અને કાળજીપૂર્વક પૂર્ણ થવી જોઈએ. તેમણે આદિજાતિ ગૌરવની ઉજવણીને ભવ્ય અને લોકસહભાગી બનાવવા માટે પરંપરાગત પોશાકમાં લોકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યભરમાં “જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં બે રૂટ મારફતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ-2 અંતર્ગત દાહોદ જિલ્લાનો સમાવેશ 10 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો છે. રથયાત્રાનો સ્વાગત કાર્યક્રમ ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે યોજાશે, જે દાહોદ જિલ્લાના સુખસર, ઝાલોદ, કંબોઈ, દાહોદ, ગરબાડા, ધાનપુર અને લીમખેડા તાલુકાઓને આવરી લેશે. જિલ્લાના ગામોમાં રૂટ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન અને રાત્રિ રોકાણ સમયે ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ અને આદિજાતિ વિકાસની ગાથાઓ નાટક, સભા, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રભાતફેરી, આરોગ્ય શિબિર, વૃક્ષારોપણ અને શપથગ્રહણ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. આદિજાતિ સમુદાયના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે. ગ્રામજનોને કાર્યક્રમ સ્થળે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓની માહિતી તેમજ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેવેન્દ્ર મીનાએ રથયાત્રાના આગમન પહેલાં અને આગમનના દિવસે થનારી કામગીરી અંગે વિગતવાર સૂચનાઓ આપી હતી. તેમણે શાળાઓ અને કોલેજોમાં રમતગમત, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અને કાર્યો અંગે જાગૃતિ લાવવા પણ આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી તાલુકા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home