તંત્ર-મંત્રના બહાને છેતરપિંડી, આરોપી અનવર થેબાની પારડી પોલીસે કરી ધરપકડ:કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, અન્ય ગુનાઓની તપાસ શરૂ
પારડી પોલીસે ખુંટેજ ગામમાં તંત્ર-મંત્રના બહાને રૂ. 2.15 લાખની છેતરપિંડી કરનાર આરોપી અનવર થેબાની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ વધુ તપાસ કરી શકે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, અનવર થેબાએ “તાંત્રિક વિધિ” દ્વારા કાગળને નોટોમાં ફેરવી પાંચ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં તેણે પાણીની ટાંકીમાં શેમ્પૂ અને ગુલાબજળ નાખી રૂ. 20 અને રૂ. 500ની નોટો બતાવી ખોટી વિધિનો દેખાવ કર્યો હતો. ત્યારબાદ, “વિધિ માટેનું મટીરીયલ” લાવવાના બહાને આરોપીએ ગુગલ પે અને રોકડ મારફતે કુલ રૂ. 2.15 લાખ પડાવ્યા હતા. છેતરપિંડી કર્યા બાદ, તેણે ફરિયાદીને “ભારતીય મનોરંજન બેંક” લખેલી રૂ. 500ની ખોટી નોટોના 80 બંડલ આપીને ફરાર થઈ ગયો હતો. પારડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી 4 નવેમ્બરના રોજ આરોપી અનવર થેબાને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પર તાંત્રિક વિધિના વીડિયો શેર કરીને લોકોને લાલચ આપતો હતો અને ખોટી નોટોના બંડલ દ્વારા છેતરપિંડી કરતો હતો. પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે કે આરોપીએ આ જ રીતે અન્ય કેટલા લોકોને છેતર્યા છે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.
