Gujarati News

ઢોલ નગારા સાથે સ્વાગત:વડોદરાની દીકરીઓએ અયોધ્યામાં યોજાયેલી ગ્રેપ્લિંગ કુસ્તીમાં દેશભરમાં ગજવ્યું નામ, એક દીકરીએ ગોલ્ડ, બીજી દીકરીને સિલ્વર મેડલ મળ્યો

Published: November 7, 2025 • Language: English

ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યા ખાતે આયોજિત નેશનલ ગ્રેપ્લિંગ કુસ્તી સ્પર્ધામાં વડોદરાની બે દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં એક દીકરીએ ગોલ્ડ મેડલ અને બીજી દીકરીએ સિલ્વર મેડલ જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આ બંને દીકરીઓ પૈકી, વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારની માળી મોહલ્લામાં રહેતી પ્રેરણા હરીશભાઈ માળીએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને શહેરનું શિર ઉન્નત કર્યું છે. આ સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલિસ્ટ પ્રેરણા માળીનું આજે વડોદરા ખાતે ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના ગગનભેદી તાલે, ઉત્સાહભર્યા વાતાવરણમાં, વિજેતા દીકરીને આવકારવામાં આવી હતી. આ શુભ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રેરણાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. દીકરીના આ વિજયને વધાવવા માટે, માળી સમાજના પ્રમુખ સંજય માળી દ્વારા આ સ્વાગત અને સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને સ્થાનિકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને પ્રેરણાના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેની આ સિદ્ધિ બદલ તેને અભિનંદન આપ્યા હતા.

Read more

← Back to Home