સુરતના ડીંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને માર મારવાની એક ઘટના સામે આવી છે. જેમાં આઠથી દસ જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવાના ઇરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગત 2 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. ચાની દુકાન નજીક ઘાતકી હુમલો
આ ઘટના ડીંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પાટીલ (ઉંમર આશરે 23 વર્ષ) તરીકે થઈ છે, જે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે.માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો જૂની અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો હતો. યુવાન જયેશ પાટીલ પર એકસાથે આઠથી દસ જેટલા હુમલાખોરોએ તૂટી પડીને માર મારવાનું શરૂ કર્યું હતું. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ
ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઊભેલા હુમલાખોરો જયેશ પાટીલ પર હુમલો કરે છે. આ શખ્સો જયેશને જમીન પર પાડી એક બાદ એક બેરહેમીપૂર્વક માર મારી રહ્યા છે. હુમલો એટલી હદે જીવલેણ હતો કે યુવાન જયેશ પાટીલને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદન અને CCTV ફૂટેજના આધારે ડીંડોલી પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવ્યો છે. ડિંડોલી પોલીસ દ્વારા હવે ફૂટેજમાં દેખાતા હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને વહેલી તકે ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.