Gujarati News

ડિજિટલ વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ:4700થી વધુ ગણતરીદારોના ઓર્ડર નીકળશે, 10 નવેમ્બરથી 20 દિવસ માટે સગરામપુરા ખાતે પ્રિ-ટેસ્ટ

Published: November 2, 2025 • Language: English

દેશમાં આયોજિત થનારી આગામી ડિજિટલ વસ્તી ગણતરી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ગણતરીને ડિજિટલ મોડ્યુલ પર ચલાવવાનો ટેસ્ટિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પાર પાડવા માટે ગણતરીદારોની તાલીમ શરૂ થઈ ગઈ છે. ડિજિટલ મોડ્યુલ માટે પ્રિ-ટેસ્ટની તૈયારી
ડિજિટલ વસ્તી ગણતરી માટે ટેસ્ટિંગ ડિજિટલ મોડ્યુલ રન કરવા માટે આગામી 10 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એટલે કે 20 દિવસ માટે સગરામપુરા ખાતે પ્રિ-ટેસ્ટ હાથ ધરવામાં આવશે. આ પ્રિ-ટેસ્ટનો મુખ્ય હેતુ ડિજિટલ પદ્ધતિની ખામીઓ અને વ્યવહારિક મુશ્કેલીઓનો અંદાજ મેળવી તેને દૂર કરવાનો છે. રાંદેરની દિવાળીબાગ સ્કૂલ ખાતે ગણતરીદારો માટે ત્રણ દિવસની વિશેષ તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમમાં હાલમાં મહાપાલિકાના તમામ ઝોનમાંથી પસંદ કરાયેલા 156 ગણતરીદારો ભાગ લઈ રહ્યા છે. સોમવારે પણ આ તાલીમ જારી રહેશે
ગુજરાતના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર ભારતી ઠાકરે અને તેમની 14 સભ્યોની ટીમ ગત શનિવારે સુરત આવી પહોંચી હતી અને તાલીમ પ્રક્રિયા શરૂ કરાવી હતી. શનિવાર અને રવિવાર પણ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગણતરીદારોને ડિજિટલ સર્વેની વિગતવાર તાલીમ આપવામાં આવી રહી છે. ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ આ તાલીમ જારી રહેશે. બે તબક્કામાં થશે વસ્તી ગણતરી
ડિજિટલ વસ્તી ગણતરીનું મુખ્ય કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે, આગામી એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન પ્રથમ તબક્કાની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ 2027 દરમિયાન હાથ ધરાશે. 4700થી વધુ ગણતરીદારોને ઓર્ડર મળશે
સુરત મનપાના ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગે જણાવ્યું હતું કે, જ્યારે મુખ્ય સર્વે શરૂ થશે, ત્યારે બે તબક્કાના આ વસ્તી ગણતરીના કાર્ય માટે 4700થી વધુ ગણતરીદારોની જરૂર પડશે અને આ તમામને તબક્કાવાર ઓર્ડર કાઢવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, હાલમાં તાલીમ લઈ રહેલા 157 ગણતરીદારોનો અનુભવ મુખ્ય સર્વે દરમિયાન 4790થી વધુ ગણતરીદારોને માર્ગદર્શન આપવા અને ક્ષેત્રીય મુશ્કેલીઓ સમજવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. ડિજિટલ મોડ્યુલ દ્વારા વસ્તી ગણતરીનો આ નવો પ્રયોગ ડેટા કલેક્શનને વધુ ઝડપી, સચોટ અને પારદર્શક બનાવશે એવી અપેક્ષા છે.

Read more at source

← Back to Home