ડાંગમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષની ઉજવણી:સામૂહિક ગાન અને સ્વદેશી શપથથી દેશભક્તિનો જયઘોષ ગુંજ્યો
રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના પ્રતીક ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક ગાન અને સ્વદેશી શપથ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આહવા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ અને નિવાસી અધિક કલેક્ટર ડો. વી.કે. જોષી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ એક સ્વરમાં “વંદે માતરમ્”નું સમૂહગાન કર્યું હતું. આ પ્રસંગે ‘સ્વદેશી અપનાવો’ અભિયાન અંતર્ગત સૌએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો શપથ લીધો હતો. સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપસ્થિત સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉજવણી માત્ર કલેકટર કચેરી પૂરતી સીમિત ન રહેતા, જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને પણ રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. પોલીસ અધિક્ષકની કચેરી સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં પણ ‘વંદે માતરમ્’ના સ્વરો ગુંજી ઉઠ્યા હતા, જેણે ગૌરવ અને એકતાની ભાવના પ્રસરાવી હતી. વર્ષ 1875માં રચાયેલું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક બન્યું હતું. 150 વર્ષની આ ઐતિહાસિક ક્ષણ પર રાજ્યભરમાં યોજાતી ઉજવણીઓનો મુખ્ય હેતુ લોકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને સ્વદેશી ભાવનાનો સંદેશ પહોંચાડવાનો છે. ડાંગ જિલ્લામાં થયેલી આ ઉજવણી દેશભક્તિ, એકતા અને સ્વનિર્ભરતાના સંદેશ સાથે એક યાદગાર ક્ષણ તરીકે નોંધાઈ છે.
