જૂનાગઢ મુક્તિ દિવસની પૂર્વ તૈયારીઓ:9 નવેમ્બરે 8.6 KMની 'યુનિટી માર્ચ'નો CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ,બહાઉદીન કોલેજથી સરદાર ચોક સુધી સંકલ્પ યાત્રા યોજાશે, જુનાગઢ રોશની થી જગમગ્યુ
જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતાના મહાપર્વ તરીકે ઉજવાશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના વિશેષ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.જુનાગઢના મુખ્ય રસ્તાઓ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 નવેમ્બરના રોજ જૂનાગઢની મુલાકાત લઈને 86-જૂનાગઢ વિધાનસભા બેઠકથી ‘યુનિટી માર્ચ પદયાત્રા’નો પ્રારંભ કરાવશે. 9 નવેમ્બર એ જૂનાગઢનો મુક્તિ દિવસ છે. આ ઉપરાંત, 12 નવેમ્બર, 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની મુલાકાત લઈને બહાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું, જેણે જૂનાગઢને માતૃભૂમિમાં જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલના આ ગૌરવશાળી જોડાણને ઉજાગર કરવા અને તેમના રાષ્ટ્રીય એકતાના યોગદાનને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ ઉજવણી માત્ર સરકારી ન રહેતા લોક કાર્યક્રમ બની રહે તે માટે સરકારી તંત્ર, સંગઠનો અને સંસ્થાઓ સંયુક્ત રીતે કાર્ય કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ અને પદયાત્રાનું આયોજન 9 નવેમ્બરના રોજ સવારે 6:00 થી 6:30 કલાકથી જ કાર્યક્રમમાં જોડાવા માટે લોકોનું આગમન શરૂ થઈ જશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 7:30 કલાકે બહાઉદીન કોલેજના મેદાનમાં આરઝી હકૂમત સ્મારક સ્તંભ ખાતે પૂજન કરશે. ત્યારબાદ તેઓ સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને મેદાનમાં તૈયાર કરાયેલ સરદાર પટેલ પ્રદર્શનીની ઝાંખી નિહાળશે.મુખ્યમંત્રી બહાઉદીન કોલેજના દરવાજા પાસેથી 8.6 કિલોમીટર લાંબી ‘યુનિટી માર્ચ પદયાત્રા’ ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવશે.આ ભવ્ય પદયાત્રા બહાઉદીન કોલેજથી શરૂ થઈને મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ થઈને સરદાર ચોક જીમખાના સુધી યોજાશે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની વિવિધ સમિતિઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગો બાદ ગઈકાલે અને આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પણ અધિકારીઓની બેઠકો યોજાઈ હતી. યાત્રાના સમગ્ર રૂટ પર 19 સ્થળોએ અભિવાદન પ્લેટફોર્મ તૈયાર કરી દેવાયા છે.બહાઉદીન કોલેજ સહિતની ઐતિહાસિક ઇમારતોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ઝાંસીની રાણી સર્કલ પર સ્વદેશી મેળાના સૂચિત આયોજન સાથે સુશોભન કરવામાં આવ્યું છે, જે સ્વદેશી અપનાવવાના સંકલ્પને ઉજાગર કરશે.આ પદયાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરવા, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પો લેવાશે. કલેક્ટરે બેઠકોમાં પદયાત્રામાં જોડાનાર સંસ્થાઓ, યુવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનો અંગે સંકલન, યાત્રા દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ, રૂટ પર સુશોભન, અભિવાદન પ્લેટફોર્મની વ્યવસ્થા, મુખ્ય કાર્યક્રમ અને પ્રદર્શનનું આયોજન, 8 નવેમ્બરના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાનું વ્યવસ્થાપન, વિવિધ સંગઠનો સાથે મીટિંગ, તેમજ મહાનગરપાલિકા, પોલીસ સહિતના લાઇન ડિપાર્ટમેન્ટ્સના આયોજન, અને વિવિધ પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા કક્ષાએ યુવા વિકાસ અધિકારીની કચેરી કરી રહી છે. આ બેઠકોમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેંદરડા પ્રાંત અધિકારી પ્રતીક જૈન અને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય એકતાના મહાપર્વમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો, આરઝી હકૂમતના લડવૈયાઓના પરિવારો અને યુવાનોને મોટી સંખ્યામાં જોડાઈને સરદાર પટેલના યોગદાનને યાદ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
