જામનગરમાં 154 રેડ-યલો ઝોનમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ:સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર જાહેરનામું બહાર પડાયું
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા અને જી.એસ.એફ.સી. જેવા અનેક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક તથા સંરક્ષણ એકમો આવેલા છે. જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ પૈકી 112 ઇન્સ્ટોલેશન્સ રેડ ઝોનમાં અને 42 ઇન્સ્ટોલેશન્સ યલો ઝોનમાં સમાવિષ્ટ છે. આ જાહેરનામા મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના રેડ અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 8 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
