છોટા ઉદેપુરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસાદ:કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ચિંતા વધી
Published: November 1, 2025 •
Language: English
છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ છૂટોછવાયો અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે જિલ્લા મથક છોટા ઉદેપુર તેમજ કવાંટ ખાતે પણ ધીમીધારે વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગર અને સોયાબીન પકવતા ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાક તૈયાર થાય તે પહેલા જ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. હાલમાં સરકાર દ્વારા ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. ખેડૂતોને વળતર ક્યારે મળશે તે અંગેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે.
