ચોરી:મલાડમાં કર્નલના ઘરમાંથી શસ્ત્રો અને દાગીનાની ચોરી
ત્રણ ચોરટા મલાડમાં આર્મી સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપોમાં એક કર્નલના ફ્લેટનાં તાળાં તોડીને અંદર ઘૂસ્યા અને શસ્ત્રો તથા દાગીના ચોરીને ભાગી ગયા હતા. શસ્ત્રો ખાડી નજીક મૂકી દીધા, જ્યારે દાગીના વેચીને ગોવામાં પાર્ટી કરી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેમાંથી બે જણને તેમના મલાડના ઘરેથી ઝડપી લીધી છે. ત્રીજો આરોપી સગીર હોવાથી તેને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે. આરોપીઓએ રિવોલ્વર, નવ ગોળી અને 480 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. 1 નવેમ્બરે તેઓ આર્મી ડેપોમાં ગયા હતા, જ્યાં નિવાસી ક્વાર્ટર્સ પણ છે. મુખ્ય પ્રવેશદ્વાર બંધ હતું, આથી મધરાત્રે 1 વાગ્યે તેઓ નાના ગેટ પર ચઢીને અંદર ઘૂસ્યા હતા.તેમને કર્નલનો ફ્લેટ ખાલી જણાતાં તેમાં ઘૂસીને ચોરી કરી હતી. કર્નલનો પરિવાર ઘરે પાછો આવ્યો ત્યારે ચોરી અંગે જાણ થતાં જ પોલીસને જાણ કરાઈ હતી. કર્નલ ઉત્તરમાં ફરજ બજાવે છે, જ્યારે તેની પત્ની અભિનેત્રી છે અને એક પુત્ર છે. દિંડોશી પોલીસે શરૂઆતમાં એફઆઈઆર દાખલ કરી, પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ કરીને સીસીટીવી કેમેરા અને મોબાઈલ નેટવર્કને આધારે આરોપીઓની શનિવારે ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું કે ચોરી પછી તેઓ મલાડ ખાડી પાસે ગયા જ્યાં શસ્ત્રો છુપાવી દીધા હતા. દાગીના વેચીને તેમાંથી આવેલાં નાણાંમાંથી ગોવામાં પાર્ટી કરી હતી. પોલીસે શસ્ત્રો હસ્તગત કર્યા છે. બે આરોપીને સ્થાનિક કોર્ટે રિમાંડ પર લેવાનો આદેશ આપ્યો છે, જ્યારે તેમનો ત્રીજો સાગરીત સગીર હોવાથી બાળ સુધારગૃહમાં મોકલી અપાયો છે. આરોપીમાં દીપક કૃષ્ણા ધનવે (21) અને વિનાયક ગોપીચંદ બાવિસ્કરનો સમાવેશ થાય છે.
