ચેતવણી નહીં ચીમકી:ભાયાવદરમાં 1.3 કિમીનો મુખ્ય રોડ જ ગાડા માર્ગ બની જતા 18મીએ વિપક્ષનું રસ્તા રોકો આંદોલન
ભાયાવદરમાં આવેલા અરણી રોડથી ખાખીજાળીયા પહેલાના પુલ સુધીનો રોડ શહેરનો મુખ્ય માર્ગ છે.અત્યારે આ રોડની હાલત ગાડામાર્ગ કરતા પણ વધારે ખરાબ બની જવા પામી છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી વિરોધપક્ષએ વેપારીઓનો સાથ આપવાનું નક્કી કરી તા.18ના રોજ રસ્તા રોકો આંદોલનનું એલાન કર્યું છે. ત્યારે હજુ પણ તંત્ર પાસે સમય છે કે ચેતી જાય અને રસ્તો સારો અને ચાલવા યોગ્ય બનાવે. નોંધનીય છે કે પાણી પુરવઠાની લાઇન પાથરવા માટે રસ્તા ખોદી નંખાયા પછી આ રસ્તો નવો બનાવવાનો તો દુર, ખાડા બૂરવામાં પણ નથી આવ્યા. ભાયાવદરમાં પાણી પુરવઠાની લાઈન નવી પાથરવા માટે તંત્ર દ્વારા 1.3 કિલોમીટર જેટલા અંતરમાં આવેલ મુખ્ય માર્ગ એવા અરણી રોડથી ખાખીજાળીયા પેલા પુલ સુધીના રોડમાં જ્યાં ત્યાં ખોદકામ કરીને પાણીની લાઈનતો ફિટ કરી દીધી હોવા છતાં 3 મહિના અને 20 દિવસથી આ રોડને નવો બનાવાની કે તેમાં પડી ગયેલા મોટા મોટા ખાડાઓ બુરવાની કામગીરી શરૂ જ ન કરવામાં આવતાં તે આખા રોડના વેપારીઓની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. આ રોડ ઉપર અવારનવાર પાણીની પાઇપ લાઈન તૂટી જવાથી વગર વરસાદે કાયમ માટે આ રોડ ઉપર પાણી વહેતુ હોવાથી ગંદકી રૂપે આખા રોડ ઉપર કીચડના થર જોવા મળે છે. જે બધાને દેખાય છે માત્ર પાલિકાને દેખાતા નથી. કોંગ્રેસનું તંત્રને તા.17મી સુધીનું અલ્ટિમેટમ
આ ગાડા માર્ગ બારામાં વિરોધપક્ષના નેતા નયનભાઈ જીવાણીએ એવું જણાવ્યું છે કે જો તા.17 સુધીમાં આ આખા રોડ ઉપર ખાડાઓ બુરીને લેવલ કરવા અથવા નવા રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તા.18 નવેમ્બરના રોજ તે રોડ પર આવતા તમામ વેપારીઓ ને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરાશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
