ચંડોળા તળાવથી સ્થળાંતર કરનારા મતદારો માટે મતદારયાદી સુધારણા ઝૂંબેશ:13થી 16 નવેમ્બર સુધી એન્યુમરેશન ફોર્મ માટે કેમ્પ યોજાશે, દાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતેથી ફોર્મ મેળવી શકાશે
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવાના કારણે સ્થળાંતર કરનારા નાગરિકો માટે આગામી 13 થી 16 નવેમ્બર સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ મેળવવાથી વંચિત ન રહી જાય તે કેમ્પનું આયોજન
આ અંગે 54-દાણીલીમડા (અ.જા.) વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ દૂર કરવાની ઝૂંબેશના કારણે, વર્ષ-2025ની મતદારયાદીમાં નામો ધરાવતા અનેક મતદારો હાલ તે સ્થળે રહેતા નથી અથવા તો અન્યત્ર રહેવા ગયા છે. ત્યારે આવા મતદારો એન્યુમરેશન ફોર્મ મેળવવાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ફોર્મનું વિતરણ
જે અંતર્ગત, ચંડોળા તળાવ વિસ્તારના મતદારો માટે દાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ, દાણીલીમડા વિસ્તારના મતદારો માટે જ
ઉલ્લેખનીય છે કે, આ કેમ્પ ફક્ત ચંડોળા તળાવ, દાણીલીમડા વિસ્તારના મતદારો માટે જ યોજાશે અને તેમાં માત્ર એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી જ કરવામાં આવશે. જ્યારે તા. ૨૧ નવેમ્બર બાદ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવા અલગથી કેમ્પ યોજવામાં આવશે. આમ, સંબંધિત તમામ મતદારોને આ કેમ્પનો લાભ લઈ સમયમર્યાદામાં ફોર્મ મેળવી લેવા દાણીલીમડા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
