'ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું':લાખો શ્રમિકો હેરાન થયા બાદ ઉધના રેલવે સ્ટેશને ટેન્ટ લગાવ્યા, રેલવે વિભાગ શ્રમિક વિરોધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણી નિમિત્તે છેલ્લા પંદર દિવસમાં લાખો શ્રમિકો પોતાના વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે હાલાકી ભોગવીને રવાના થઈ ગયા, પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા સુવિધા પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી છે. લાખો યાત્રીઓ રવાના થયા બાદ, હવે ઉધના રેલવે સ્ટેશનની બહાર જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે, તે ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા’ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક બની છે અને રેલવે અધિકારીઓ તેમજ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રેલવે તંત્રનું ‘બુદ્ધિ પ્રદર્શન’ અને બેદરકારી
છેલ્લા 15 દિવસથી રોજેરોજ હજારોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર આવી રહ્યા હતા. આ શ્રમિકોને કોઈપણ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહી નહોતી. ઉલટાનું, તેઓએ દસથી વીસ કલાક સુધી ટ્રેનની રાહ જોતા તડકામાં જમીન પર બેસવા માટે મજબૂર થવું પડ્યું હતું. જંગલ-ઝાંખરા વચ્ચે શૌચાલય કે પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. જોકે, જ્યારે લગભગ 1,50,000થી વધુ યાત્રીઓ સુરતથી રવાના થઈ ગયા અને દિવાળીનો ધસારો સમાપ્ત થઈ ગયો, ત્યાર બાદ રેલવે તંત્રના અધિકારીઓ ‘બુદ્ધિ પ્રદર્શન’ કરતા નજરે આવ્યા હતા. લાખો યાત્રીઓ રવાના થઈ ગયા પછી, ઉધના રેલવે સ્ટેશનની બહાર લાખો રૂપિયાના ખર્ચે મોટા ટેન્ટ બનાવવામાં આવ્યા, જેનો હાલ કોઈ ઉપયોગ દેખાઈ રહ્યો નથી. કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ, આજે પણ આ ટેન્ટમાં એક પણ યાત્રી ઊભો નથી. શ્રમિક વિરોધી માનસિકતાનો કોંગ્રેસનો આક્ષેપ
આ મામલે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા આક્રમક બન્યા છે. તેમણે રેલવે વિભાગની શ્રમિક વિરોધી માનસિકતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે, રેલવે વિભાગ શ્રમિક વિરોધી માનસિકતા ધરાવે છે અને શ્રમિક પરિવાર પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં રેલવે વિભાગે કોઈ કસર બાકી રાખી નથી. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે રેલવે તંત્ર માત્ર વંદે ભારત અને તેજસ ટ્રેન ચલાવવામાં વધારે રસ ધરાવે છે, પરંતુ લાખો શ્રમિકો માટે વિશેષ ટ્રેન ચલાવવા કે વ્યવસ્થા કરવામાં કોઈ રસ દાખવતું નથી. છેલ્લા દસ દિવસથી લાખોની સંખ્યામાં યાત્રીઓ લિંબાયત ક્ષેત્રથી ઉધના રેલવે સ્ટેશન પરથી જઈ રહ્યા હોવા છતાં, ત્યાં જંગલ-ઝાંખરા, શૌચાલય અને પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. યાત્રીઓને ઓવર ક્રાઉદ કરીને મોકલવામાં આવ્યા અને તેમને પ્રાથમિક સુવિધા પણ ન મળી. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો કે લોકો કલાકો સુધી ટ્રેનની રાહમાં ઊભા છે, પરંતુ સુવિધા નથી, ત્યારબાદ માત્ર દેખાડો કરવા માટે આ ટેન્ટ લગાવવામાં આવ્યા. અસલમ સાયકલવાળાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, આવા રેલવેના અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે કે જે અધિકારીઓએ શ્રમિકોની સમસ્યાને ધ્યાનમાં લીધી નથી અને બેદરકારી દાખવી છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા તમામ સંગઠનોએ આવેદનપત્ર આપીને વહેલી તકે વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી, પરંતુ રેલવે તંત્રની બેદરકારીના કારણે શ્રમિકોને અમાનવીય યાતનાઓ ભોગવવી પડી છે.
Read more
