ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપ નેતાની સ્પષ્ટતા:રાજકોટ ભાજપનાં વિજય પાડલિયાએ કર્યો રાજકીય ષડયંત્રનો આક્ષેપ, કહ્યું- મનપામાં પ્લાન મુકવાની સાથે રૂ. 15 લાખ ભરી FSI લીધી છે, નિયમ મુજબ કવેરી સોલ્વ કરીશું
રાજકોટ શહેર ભાજપના નેતા વિજય પાડલિયા સંલગ્ન અને તા. 27 સપ્ટેમ્બરના રોજ જેનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી સહિત બે સાંસદો અને અન્ય ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં થયું તું, તે એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામને લઈને રાજકોટ મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-2 વિસ્તારમાં આવેલી છે. જોકે, આ નોટિસના જવાબમાં વિજય પાડલિયાએ આ સમગ્ર કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવીને તેમને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. અને નિયમ મુજબ બાંધકામ કરાયું હોય કવેરી સોલ્વ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું છે. જાણો શુ છે સમગ્ર મામલો મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના એટીપીઓ દ્વારા તા. 11 નવેમ્બર, મંગળવારના રોજ વિજય પાડલિયાને નામજોગ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે પ્લાન વિરુદ્ધનું જે વધારાનું બાંધકામ છે, તે 7 દિવસની અંદર દૂર કરીને મહાનગરપાલિકાને જાણ કરવી. જો 7 દિવસમાં આ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 260(2) મુજબની અંતિમ નોટિસ આપ્યા બાદ મનપા દ્વારા આ ગેરકાયદે વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલનું ઉદઘાટન થયાને લગભગ દોઢ માસ જેટલો સમય વીતી ગયો છે. જેમાં ડો. ચાર્મી પાડલિયા છજલાની, ડો. આશિષ છજલાની જૈન, અને ડો. ધૈર્ય પાડલિયા સંચાલિત હોવાનું આમંત્રણ પત્રિકામાં દર્શાવાયું હતું, જેમાં વિજય પાડલિયાનું નામ શુભેચ્છક તરીકે લખવામાં આવ્યું હતું. વિજય પાડલિયાનો રાજકીય ષડયંત્ર હોવાનો બચાવ મનપાની નોટિસ અંગે ભાજપનાં વિજય પાડલિયાએ જણાવ્યું હતું કે, આ 280 વાર જગ્યા અમે કાયદેસરના દસ્તાવેજો સાથે લીધેલી છે. કોર્પોરેશનમાં પ્લાન પણ મૂકેલો છે અને પ્લાન મુજબનું જ બાંધકામ કર્યું છે. અમે 15 લાખ રૂપિયા ભરીને એફએસઆઈ (FSI) લીધેલી છે, જેના તમામ રેકોર્ડ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે. આ સંપૂર્ણપણે રાજકીય સ્ટંટ ચાલી રહ્યો છે. અત્યારે સંગઠનનું રાજકારણ ચાલી રહ્યું છે અને કોર્પોરેશનની ટિકિટ પણ મળતી નથી. આથી, મારા અમુક વિરોધીઓ છે, તે લોકોએ આખું ષડયંત્ર ઊભું કરીને મને ડેમેજ કરવા માટે કરેલું છે. આ માત્ર એક ડેમેજ કરવાની વાત છે કે જે કામ કરતા હોય તેમને સાઈડમાં કરવા માટે આ કૃત્ય થયું છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, અમારું આ ડેન્ટલ ક્લિનિક પહેલા રિંગ રોડ ઉપર હતું. અહીં અમે માલિકીની જગ્યા લીધા પછી પેશન્ટોને તકલીફ ન પડે તે માટે માત્ર ઓપીડી ક્લિનિક ચાલુ કરી દીધું છે. બાકી આ કોઈ અનલીગલી કે ખોટું કામ નથી. હું ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ ચલાવું છું, ગૌશાળા ચલાવું છું, એટલે અમે કોઈ એલફેલી કે એવા કામ કરતા નથી, કે કરવું પણ નથી. આ તો એક રાજકીય જૂથ છે જે મારી પાછળ પડ્યું છે. નોટિસ પરત આપી, આગળની કાર્યવાહી મનપા દ્વારા નોટિસ આપવામાં આવી તે અંગે વિજય પાડલિયાએ જણાવ્યું કે, કોર્પોરેશનમાં એક ભાઈએ ફરિયાદ આપી હતી કે અહીંયા અનલીગલી બાંધકામ છે. એટલે કોર્પોરેશનને જ્યારે ફરિયાદ મળે ત્યારે તેને વિધિ કરવી પડે એટલે મને નોટિસ આપી. અમે કોર્પોરેશનની જે કંઈ ક્વેરી હશે, તે તમામ દસ્તાવેજો સાથે પૂરી પાડીશું. બાકી કાગળો તો તેમની પાસે ઓલરેડી છે જ, જેમ કે FSI લીધી હોય, પ્લાન મૂક્યો હોય એ બધું જ હોય છે. જોકે, તેમણે આ આખાય મામલાને રાજકીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ રાજકીય દ્વેષભાવના કારણે હેરાનગતિ કરવામાં આવી રહી છે. રાજકોટમાં એવા કેટલાય મકાનો છે જેમાં તો બેડવાળી હોસ્પિટલો ચાલે છે, જ્યારે અમારી તો ડેન્ટલ હોસ્પિટલ છે. ડેન્ટલ હોસ્પિટલમાં કોઈ બેડ ન હોય, એપોઇન્ટમેન્ટ ઉપર ચાલતી હોય છે. તેમનું ક્લિનિક કોમર્શિયલ નથી, પણ રેસિડેન્સ પ્લાન પર આધારિત છે, જ્યાં નીચે ક્લિનિક અને ઉપર રહેવાની વ્યવસ્થા છે. આ બાંધકામ કોર્પોરેશનમાં પાસ થયેલા પ્લાન મુજબ કરવામાં આવ્યું છે. આગળની જગ્યા પણ મુકેલી છે. હાલમાં ઉપરના બે માળનું કામ બાકી હોવાથી કમ્પ્લીશન આવ્યું નથી, પરંતુ કમ્પ્લીશન આવતા જ કોર્પોરેશન અને મીડિયાને બધી વિગતો રજૂ કરવામાં આવશે. સમગ્ર મામલે વેસ્ટ ઝોન ટીપીઓ શૈલેષ સીતાપરાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એસીપી ડેન્ટલ ક્લિનિકમાં ગેરકાયદે બાંધકામ હોવાની અરજી મ્યુ. કમિશ્નર મારફત અમોને મળી હતી. જેના આધારે સ્થળ તપાસ કરતા પાર્કિંગમાં દબાણ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને નોટિસ આપવામાં આવી છે. જોકે બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલુ હોવાથી કમ્પ્લીશન ન હોય એ સ્વાભાવિક છે. હાલ તો પાર્ટીને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં જો જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો નિયમ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
