Gujarati News

ગુનેરી ગુફામાં 25 ઓક્ટોબરથી બગલામુખી યજ્ઞનો પ્રારંભ થશે:કચ્છમાં પ્રથમવાર ચાતુર્માસ ઉજવણી અંતર્ગત 26 ઓક્ટોબરથી શિવ મહાપુરાણ કથા

Published: October 24, 2025 • Language: English

કચ્છના લખપત તાલુકાના ગુનેરી નજીક આવેલી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણી અંતર્ગત આગામી 25 ઓક્ટોબરથી માં બગલામુખી યજ્ઞનો પ્રારંભ થશે. આ યજ્ઞ કચ્છ જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. તેના બીજા દિવસે, 26 ઓક્ટોબરથી કથાકાર ગીરીબાપુના વ્યાસાસને શિવ મહાપુરાણ કથાનો પણ આરંભ થશે. ગુનેરીથી આશરે દોઢ કિલોમીટરના અંતરે આવેલી આ ગુફા ખાતે યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમો માટેની તૈયારીઓને સેવકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 25 ઓક્ટોબરથી શરૂ થનારો માં બગલામુખી 21 કુંડી યજ્ઞ 3 નવેમ્બર સુધી ચાલશે. શિવ મહાપુરાણ કથા પણ 26 ઓક્ટોબરથી શરૂ થશે.આ ચાતુર્માસની ઉજવણી 8 જુલાઈથી શરૂ થઈ હતી અને તેનું સમાપન 3 નવેમ્બરના રોજ થશે. આ સમયગાળા દરમિયાન ભાગવત કથા, દેવી ભાગવત કથા, રામચરિત માનસ કથા, શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ પૂજા, જન્માષ્ટમી પર્વ, ગણેશ ઉત્સવ, નવરાત્રી પર્વ અને વિજયા દશમી પર્વ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન શૃંગીઋષિ આશ્રમ મેવાડ (રાજસ્થાન)ના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં થઈ રહ્યું છે. ગુનેરી ગુફાના મહંત પૂજ્ય દિગંબર અશોકભારતી મહારાજના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા અને કથા મંડપને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે. ગુનેરી સેવક સમિતિના સભ્યો અને નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિના સેવક ગણ દ્વારા આયોજન અને વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.
Read more

← Back to Home