Divya Bhaskar Gujarat

ગુજરાત STEM ક્વિઝ 4.0માં 15 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન:2 કરોડના ઈનામો, પંચમહાલ જિલ્લાના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

Published: November 4, 2025 • Language: English

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા દર વર્ષે રાજ્યમાં STEM ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે STEM ક્વિઝ 4.0ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે 2 કરોડ રૂપિયા સુધીના ઇનામો ફાળવવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં અગ્રેસર રહ્યા છે. ગત વર્ષે આયોજિત ગુજરાત STEM ક્વિઝ 3.0માં પંચમહાલ જિલ્લાના 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 73 વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ પહોંચ્યા હતા અને તેમને પ્રમાણપત્રો તથા ઇનામો મળ્યા હતા. ત્યારબાદ 28 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પહોંચી ટેબ્લેટ, 3D પ્રિન્ટર, ટેલિસ્કોપ જેવા ઇનામો અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. આ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓને ISRO, NFSU અને BARC જેવી સંસ્થાઓની મુલાકાત લેવાની તક પણ મળે છે. GUJCOST દ્વારા જાહેર કરાયેલ STEM ક્વિઝ 4.0 હવે ‘ઇન્ડિયા STEM ક્વિઝ’ તરીકે ઓળખાશે. આ ક્વિઝ માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 નવેમ્બર, 2025 છે. ક્વિઝ બે વર્ગમાં યોજાશે: જુનિયર વર્ગ (ધોરણ 9 અને 10) અને સિનિયર વર્ગ (ધોરણ 11 અને 12). વિદ્યાર્થીઓ https://stemquiz.gujarat.gov.in લિંક પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. STEM ક્વિઝ 4.0 માટે અત્યાર સુધીમાં પંચમહાલ જિલ્લાના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસરો દ્વારા પણ દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શકે. વિદ્યાર્થીઓને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.

Read more

← Back to Home