Gujarati News

ગુજરાતના 800 ગામોના ખેડૂતોને મોટી રાહત:₹947 કરોડના કૃષિ પેકેજનો ઠરાવ જાહેર, હેક્ટરદીઠ ₹20,000 વિશેષ સહાય મળશે

Published: November 10, 2025 • Language: English

રાજ્ય સરકારે ભારે વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મોટી રાહત આપતો ₹947 કરોડનો કૃષિ રાહત પેકેજ-2025નો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની 20 ઓક્ટોબરની જાહેરાતને અમલમાં મૂકતો આ ઠરાવ જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વાવ-થરાદ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડશે, ખાસ કરીને વાવ-થરાદ અને પાટણના ખેડૂતોને હેક્ટરદીઠ ₹20,000ની વિશેષ સહાય મળશે, જે સામાન્ય પાક નુકસાની સહાય ઉપરાંત આપવામાં આવશે. ખરીફમાં વાવેતર કરાયેલા દીવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ઉપરાંત કઠોળ અને દાડમ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોને પણ અસર પહોંચી હતી. સરકારના સર્વે મુજબ, આ 800 ગામોમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે સરકારે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કરતા ખેડૂતો માટે સહાયની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 20 હજારની વિશેષ સહાય આપવામાં આવશે. આ સહાય ખેડૂતોને પાક નુકસાનીની સામાન્ય સહાય ઉપરાંત મળશે. સરકારના ઠરાવ મુજબ, દરેક ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. વાવ-થરાદ અને પાટણ જિલ્લાના તેવા ખેડૂતો, જેમના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા હોવાથી તેઓ શિયાળુ પાક લઈ શકતા નથી, તેમને આ વિશેષ સહાય આપવામાં આવશે. 1લી નવેમ્બર 2025 સુધી જેમના ખેતરમાં પાણી ભરાયેલું હશે, તેવા ખેડૂતોને પણ આ સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારે ઠરાવ બહાર પાડતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા ખેડૂતો લાંબા સમયથી આ રાહત પેકેજના અમલની રાહ જોઈ રહ્યા હતા. હવે સરકાર દ્વારા ઠરાવ જાહેર થતાં સહાયની રકમ વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે.

Read more

← Back to Home