Gujarati News

ગીર સોમનાથમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવાશે:ઉજવણીના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Published: November 11, 2025 • Language: English

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના યોગદાનને ઉજાગર કરવા માટે, 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય 2021માં લેવાયો છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે, આગામી 14 નવેમ્બર, 2025ના રોજ તાલાલા તાલુકાના માધુપુરમાં પટેલ સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમ સાથે સમાંતર યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી હતી. તેમણે વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી સ્ટોલ્સ દ્વારા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ‘જનજાતીય ગૌરવ રથ યાત્રા’ પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિષય પર ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું આયોજન કરાશે. આ ઉપરાંત, પ્રતિભાવાન ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પારસ વાંદા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર એફ.જે. માકડા, પ્રાયોજના અધિકારી આર.એસ. સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ તેમજ શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, આર.ટી.ઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home