ગામ ગામની વાત:ઝાલાવાડની શાન એટલે વજાબાપાનુ ગામ કોઠારીયા ધામ
કોઠારીયા ગામલોકો આમ ખેતી સહિતની મજુરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ ગામમાં દલવાડી, અનુસૂચિત જાતિ, ઠાકોર, બ્રાહ્મણ, રબારી, નાડોદા રાજપૂત સહિતના સમાજની વસ્તી વસાવટી કરી રહી છે. પરંતુ કોઇપણ ધાર્મિક કાર્યના યજ્ઞમાં આ ગામનો અચૂક ફાળો જોવા મળી રહ્યો છે. તેમાંય વજાબાપાના આશ્રમ થકી થતી અનેક સેવાઓથી ગામનું નામ પણ દેશ-વિદેશમાં ગૂંજી ઉઠ્યુ્ં છે. વઢવાણ તાલુકાના દૂર કોઠારીયા ગામમાં એક સરકારી તેમજ એક ખાનગી એમ ધો. 1થી 10 સુધીના અભ્યાસ માટે કુલ 2 શાળા જ આવેલી છે. તેમ છતાં 10 બાદ કારર્કિદીને ઉજ્જવળ બનાવવા માટે ગામના યુવાનો સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ અભ્યાસ માટે દોટ લગાવી રહ્યા છે. જેના કારણે હાલમાં પણ આ ગામમાં 10 પોલીસકર્મી, તલાટી, આર્મી, રેલવે, શિક્ષક સહિતની જગ્યાઓ પર અંદાજે 30 જેટલા યુવાનો ફરજ બજાવીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. બીજી આ ગામની ખાસ વાત એ છે કે, વજાબાપાના અંદાજે 45 વર્ષથી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમની અનેક સેવા થકી ગામની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઇ છે. આ આશ્રમમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોવાથી સવારે શુદ્ધ ઘીનો શીરો, દાળ-ભાત, શાક-રોટલી-રોટલા તેમજ રાત્રે રોટલી, રોટલા, ખીચડી-કઢી અને દૂધ પીરસવામાં આવતા અનેક લોકોમાં આશીર્વાદરૂપ બની રહ્યુ છે. કારણ કે, સવાર-સાંજ દરરોજ 200થી 250 લોકો ભોજનનો લાભ લઇ રહ્યા છે. જ્યારે પારેવાને દરરજો 60 કિલો જુવાર, 60 કિલો કિડીયાળુ પણ સંસ્થાના 6 જેટલા માણસો આજુબાજુના ગામડાઓમાં નાંખવા જાય છે. ગૌશાળાની 1000 ગાયોનું એકપણ ટીંપુય વેચવાનું નહી : દૈનિક 1800 લીટર નિ:શુલ્ક છાશનું વિતરણ
ગામના રોડ પર આવેલી ગૌશાળામાં અંદાજે 1000 ગાયોનો દરરોજ 500 મણ ઘાસચારો,ખોળ, દાણ નાંખીને નિભાવ કરવામાં આવે છે. અને ગાયનું એકપણ ટીંપુય દુધ વેચવામાં આવતું નથી. કારણ કે આ દૂધની છાશ એટલે કે, 700 લીટર દૂધમાંથી અંદાજે 1800 લીટર છાશ નિ:શુલ્ક સવારે 7.30થી 8.30 કલાક સુધીમાં લોકોને આપવામાં આવે છે. જેનો આજુબાજુના ગામડાના લોકો લાભ લઇ રહ્યા છે. દૈનિક 20 મણ બાજરાના રોટલાનું વિતરણ
આશ્રમમાં 15થી 16 બહેનો દ્વારા 4000થી 4500 રોટલાનું વિતરણ કરી દેવામાં આવે છે. આ રોટલા રિક્ષાચાલક તેમજ સાઇકલસવાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પહોંચાડે છે. આ ઉપરાંત વઢવાણ, સુરેન્દ્રનગર જોરાવરનગર, રતનપર, જીઆઇડીસી વિસ્તારોમાં વૃદ્ધો, દિવ્યાંગો, સાધુ-સંતો, અંધજનો સહિતના જરૂરીયાતમંદ લોકો સુધી આ રોટલો પહોંચી રહ્યો છે. ગામની વિગત
