Gujarati News

ગાંધીનગરમાં લાખોની ઘરફોડ ચોરી મામલે નવો વળાંક:ઘર માલિકે 34.50 લાખની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી, પકડાયેલા ઘરફોડ આરોપી પાસેથી 1.70 લાખનો જ મુદ્દામાલ મળ્યો

Published: October 24, 2025 • Language: English

ગાંધીનગરમાં દિવાળીને રાતે પીંડારડામાં બંધ મકાનમાં ત્રાટકી ત્રણ કલાકમાં રૂ.23.94 લાખના દાગીના, 10 લાખ રોકડા સહિત કુલ રૂ.34.50 લાખની ઘરફોડ ચોરી થયાનો ઘર માલિકે દાવો કરીને ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો પણ દાખલ કરી નાખ્યો હતો. જોકે આ ચોરી મામલે પોલીસે રીઢા ઘરફોડીયાને ઝડપી પાડતા વાસ્તવમાં તેણે કુલ રૂ.1.77 લાખની મત્તાની જ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. ગરબા જોવા ગયા ને તસ્કરે ત્રાટક્યા
ગાંધીનગરના પીંડારડા ગામમાં બળિયાદેવ મંદિર પાસેના ખેતરમાં રહેતા જીવણભાઈ માલજીભાઈ રબારી દિવાળીની રાતે અગિયારેક વાગે તેમના પત્ની અને બાળકોને લઈને ગામમાં કાળકા માતાજીના ગરબા જોવા ગયા હતાં. જ્યાંથી રાત્રિના સવા બે વાગ્યાના અરસામાં તેઓ ઘરે પાછા આવ્યાં હતાં. ત્યારે ઘરની લોખંડની જાળીનું તૂટેલી હાલતમાં તેમજ જાળી આગળ સોનાના દાગીના મુકવાના બોક્ષ પડેલા જોઈને ચોંકી ઉઠ્યા હતાં. ફરિયાદ મુજબ 34 લાખ 50 હજારથી વધુની મત્તા ચોરાઈ
બાદમાં તેમણે રૂ.8.82 લાખની કિંમતનો 7 તોલાનો સોના હાર, રૂ.3.78 લાખની કિંમતનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, રૂ.3.78લાખની બુટ્ટીઓ, રૂ.3.78 લાખના ત્રણ તોલાના સોનાના કડાં , રૂ.1.89 લાખની સોનાની ચાર નંગ વીંટી, રૂ.1.89 લાખની સોનાની ચેઇન, ચાંદીનો જુડો, કેડ કંદોરો, નાકમાં પહેરવાની ચુનીઓ નંગ-5 કિંમત રૂ.42,750, ચાંદીના સિક્કા નંગ-3 કી રૂ.8550, એક મોબાઈલ ફોન તેમજ 10 લાખ રોકડા મળીને કુલ 34 લાખ 50 હજારથી વધુની મત્તા ચોરાઈ હોવાનો દાવો કરી ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી દીધો હતો. પોલીસે તપાસ કરતાં ખુલાસો થયો કે 1.77 લાખની મત્તાની જ ચોરી થઈ છે
જે અંગે ઘનિષ્ઠ તપાસ કરવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપતા લોકલ ક્રાઈમ બ્રાંચ પીઆઇ દિવાનસિંહ વાળાની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી. બાદમાં પેથાપુર પોલીસે ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતા વાસ્તવમાં ઘરમાંથી એક જોડ સોનાની બુટ્ટી, સોનાની કાન ચેઇન ,એક સોનાની વિંટી તથા રોકડ રકમ રૂ.9 હજાર અને એક મોબાઇલ મળીને કુલ રૂ.1.77 લાખની મત્તા ચોરાઈ હોવાની સ્પષ્ટતા થઈ હતી. જ્યારે અન્ય દાગીના તેના સાળાના ઘરે અમદાવાદ ખાતે પડેલ હોવાની કબૂલાત કરતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ હતી. આરોપી પર 12 ચોરીના ગૂના નોંધાઈ ચૂક્યા છે
જોકે ઘરફોડ ચોરી મામલે પોલીસે મેન્ટોર પ્રોજેક્ટ હેઠળના ગામના રીઢા ચોર વિનોદજી ઉર્ફે ઉદો ભવાનજી ઠાકોરના ઘરે જઈ તપાસ કરતા તે દશેલા ગામમા હોવાની હકીકત મળી હતી. જેના પગલે પોલીસે દશેલા ગામે મોતીપુરા વાસમા જઈ રીઢા ચોર વિનોદ ઠાકોરને રૂ.1.77 લાખના ચોરીના મુદ્દામાલ સાથે પકડી લઇ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેના વિરુધમાં માણસા, કલોલ તાલુકા અને પેથાપુર પોલીસ મથકમાં કુલ 12 ચોરીના નોંધાઈ ચૂક્યા છે.
Read more

← Back to Home