ગાંધીનગરમાં ત્રણ સ્થળોએ ITના દરોડા:ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘર-ઓફિસે વહેલી પરોઢિયે ટીમ ત્રાટકી, સર્ચ ઓપરેશન શરૂ
ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એડીઆરના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેકટર 26 કિસાન નગર ખાતે રહે છે. આજે સવારે વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાંચ ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડો પાડતા ચકચાર મચી ગઈ છે. આ સિવાય આઇટીની ટીમે સંજય ગજેરાની સેકટર 11 મેઘ મલ્હાર કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડવામાં આવ્યો છે. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટી ની ટીમ ધ્વારા દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત બે ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટી મા પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
