Divya Bhaskar Gujarat

ગાંધીનગરમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા, CCTV:રાંદેસણમાં ધોળા દહાડે વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી બે ગઠિયા એક્ટિવા પર ફરાર

Published: November 4, 2025 • Language: English

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે તેવી ઘટના સામે આવી છે. શહેરના ભરચક્ક ગણાતા રાંદેસણ વિસ્તારમાં આવેલી શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહાર જ ધોળા દહાડે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. સવારના સમયે લોકોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. રસ્તે ચાલીને જઈ રહેલા વૃદ્ધાના ગળામાં ચેન તોડી ફરાર
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સવારે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. એક વૃદ્ધા શુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટ બહારના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો ચેઇન સ્નેચર ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો. હજી વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ ચેઇન સ્નેચરે ભરચક વિસ્તારની પરવા કર્યા વિના વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. આ ઘટના સવારનો સમય હોવાથી લોકોની અવરજવર વચ્ચે જ બની હતી છતાં ગઠિયાને પકડવામાં કોઈ સફળતા મળી નહોતી. લોકોએ પીછો કર્યો પણ બંને ગઠિયાઓ ફરાર
આ ચેઇન ખેંચી લીધા બાદ લૂંટારો ભાગ્યો હતો અને ત્યાંથી થોડેક દૂર એક્ટિવા લઈને ઊભેલા તેના સાગરિત સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ મદદ માટે દોટ મૂકી ત્યાં સુધીમાં બંને ગઠિયાઓ નજરથી ઓઝલ થઈ ગયા હતા.બનાવની જાણ થતાં જ શુકુન સ્કાય સોસાયટી અને આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ વિસ્તારમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બનતાં સુરક્ષાને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે વૃદ્ધા પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને તેના આધારે ચેઇન સ્નેચરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેનીય છે કે,ચેઇન સ્નેચિંગના સતત વધતા કિસ્સાઓ ગાંધીનગર પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે.

Read more

← Back to Home