ગાંધીધામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે આયોજીત ફૂડ મેળામાં વિવાદ:વેજ સાથે નોનવેજની આઈટમો પણ વેંચાણ અર્થે મુકાઈ, વિશ્વ હિન્દુ પરિષદ-ABVPએ વિરોધ નોંધાવ્યો, શાળાએ માફી માંગી
ગાંધીધામની માઉન્ટ કારમલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફૂડ મેળાનું આયોજન થયું હતું. શાળાના મેદાનમાં ગત રવિવારની સાંજે કેથલિક ચર્ચ દ્વારા ફૂડ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળામાં વેજ સાથે નોનવેજની આઈટમો પણ વેંચાણ અર્થે કાઉન્ટર ઉપર મુકાઈ હતી. આ ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીના કાર્યકરોએ શાળામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. બન્ને સંસ્થાના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી હિન્દૂ છાત્રોને નોનવેજ મેળામાં સામેલ કરવા બદલ શાળાની માફીની માંગ કરી હતી અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી. અલબત્ત શાળા તરફથી આ મામલે હાલ લેખિત માફી માંગી લેવામાં આવી છે. ગાંધીધામ વીએચપીના રવિ ગઢવીએ નિવેદન આપ્યું હતું કે, માઉન્ટ કારમલ શાળાના મેદાનમાં જે કેથલિક ચર્ચ દ્વારા ફૂડ મેળાનું આયોજન કરાયું હતું. તેમાં શાળાના છાત્રોમાં તેના કુપન વેચવામાં આવ્યા હતા અને તેમાં સામેલ થવા પ્રેરિત કરવામાં આવ્યાં હતા. આ મેળામાં માસ મટન પીરસવામાં આવ્યું હતું. આ શાળામાં 80થી 90 ટકા છાત્રો સનાતન ધર્મના છે, ત્યારે તેઓને કોઈ જ આગોતરી સૂચના વિના મેળામાં સામેલ કરાયા તેનાથી સનાતન સમાજની લાગણી દુભાઈ છે. આ બદલ શાળા સંચાલકો માફી માંગે અને આયોજક ચર્ચ સામે કાયદેસરના પગલાં ભરે. બજરંગ દળના વિવેક અહિરે કહ્યું હતું કે, શાળા સંકૂલના મેદાનમાં જે ફૂડ મેળામાં નોનવેજ વેંચાણમાં રખાયું હતું , તેમાં શાળાની બેદરકારી છે. કોઈ જ પ્રકારની માહિતી વિના ચર્ચને આ મેળાની પરવાનગી આપી દેવાઈ તે ગેરકાયદે વાત છે. આ શાળામાં પણ સનાતન સમાજના બાળકો અભ્યાસ કરે છે. શાળાની આ હરકત ગેરકાયદેસરની છે. આ માટે શાળાએ માફી માંગવી જોઈએ. દરમિયાન ફૂડ મેળામાં નોનવેજની સામેલગીરીનો મામલો ગરમાતો જોઈ જવાબદાર શાળાના આચાર્ય તરફથી લેટરહેડ ઉપર લેખિત માફી માંગતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, ગત તારીખ 09/11/2025 ના રોજ Mount Carmel High School ના ગ્રાઉન્ડમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા ફુડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ભૂલથી નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું હતું, જે અમારી પ્રથમ અને અંતિમ ભૂલ છે. જે ભવિષ્યમાં કયારે પણ પુનરાવર્તન કરવામાં નહીં આવે. જો આવી ઘટના ભવિષ્યમાં અમારા શાળા દ્વારા થશે તો હું પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દઈશ અને આ ઘટના બનવા બદલ હિન્દુ સમાજની લાગણી દુભાણી હોય તેની અમે હૃદયપૂર્વક દિલગીર વ્યક્ત કરીએ છીએ અને માફી માંગીએ છીએ.
