ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા 23 વર્ષીય ધવલ રામભાઈ ભરગાનું ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનામાં અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ધવલની સગાઈ થોડા સમય પૂર્વે પ્રતીક્ષા નામની યુવતી સાથે થઈ હતી. મંગળવારે, 11 નવેમ્બરના રોજ ધવલ અને પ્રતીક્ષા તેમના મિત્ર મૌલિક બાબુભાઈ વણપરિયા (રહે. રાજકોટ)ની વોક્સ વેગન મોટરકાર (નં. જી.જે.36 આર. 6218)માં પ્રતીક્ષાના બહેનપણી અનિતા વાંઝા સાથે દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. મંગળવારે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે તેઓ ખંભાળિયા – દ્વારકા માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસે આવેલા એક મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાર ચાલક મૌલિક વણપરિયાએ મોટરકાર પરનો કાબુ ગુમાવતા કાર હાઈવે પરની રેલિંગ સાથે અથડાઈને આરપાર નીકળી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 23 વર્ષીય ધવલ રામભાઈનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતક ધવલના મોટાભાઈ નીરવ રામભાઈ (ઉ.વ. 25, રહે. લોઢવા, તા. સુત્રાપાડા)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક મૌલિક બાબુભાઈ વણપરિયા સામે ભારતીય ન્યાય સંહિતા અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.