Divya Bhaskar Gujarat

કોંગ્રેસે કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે આવેદનપત્ર આપ્યું:ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને દેવા માફીની માંગ કરી

Published: November 4, 2025 • Language: English

ગુજરાતમાં તાજેતરમાં પડેલા સાર્વત્રિક કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાક જેવા કે મગફળી, ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને તેમની કફોડી હાલત સુધારવા માટે પાવીજેતપુર કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરી છે. પાવીજેતપુર કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કુદરત જાણે રૂઠી હોય તેમ અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. છેલ્લા સાત સીઝનથી રાજ્યમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર પડ્યો છે, પરંતુ સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાતો કરીને સંતોષ માની લે છે. વાસ્તવમાં, જાહેર કરાયેલી રકમના માત્ર 30 થી 35% જેટલી જ રકમ ખેડૂતોને ચૂકવવામાં આવે છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે. યુપીએ સરકારે ભૂતકાળમાં 78,000 કરોડના દેવા માફ કર્યા હતા તે જ રીતે, રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ સહિતના તમામ દેવા સંપૂર્ણપણે માફ કરવા જોઈએ. વર્ષ 2020 થી ગુજરાતમાં પાકવિમા યોજના બંધ છે, જ્યારે સમગ્ર ભારતમાં તે ચાલુ છે. તેથી, ગુજરાતમાં સરકારી પાકવિમા કંપનીઓ આધારિત યોજના તાત્કાલિક ધોરણે શરૂ કરવી જોઈએ. તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે. કમોસમી વરસાદને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે હશે. તેથી, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરીને ભેજ યુક્ત મગફળીની પણ 300 મણ સુધીની ખરીદી કરવામાં આવે. રાજ્યમાં શિયાળુ પાકની સિઝન શરૂ થવા છતાં રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. કોંગ્રેસ સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ખેડૂતો પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી અને આગામી શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ અને ખાતર લેવાના પણ તેમની પાસે રૂપિયા નથી. રાજ્ય સરકારે ખેડૂતોને પાયમાલીમાંથી ઉગારવા માટે આ માંગણીઓ પર ત્વરિત પગલાં લેવા જોઈએ.

Read more

← Back to Home