Divya Bhaskar Gujarat

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા:પારડી કોંગ્રેસે ખેડૂતોને થયેલા પાક નુક્શાનીના સહાય માટે રાજ્ય સરકાર પાસે વિશેષ રાહત પેકેજ માંગ્યું

Published: November 4, 2025 • Language: English

વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મગફળી, ડાંગર અને કપાસ જેવા ખરીફ પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પારડી તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી વલસાડ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદમાં પાક નુશાનીમાં ખેડૂતો માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાય સિઝનથી અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, છતાં ખેડૂતોને જાહેર કરાયેલ સહાયનો પૂરો લાભ મળતો નથી. સરકાર તરફથી જાહેર કરાયેલા પેકેજનો ફક્ત 30થી 31 ટકા ભાગ જ ખેડૂતોને મળતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અગ્રણીઓએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 2020થી પાક વીમા યોજના બંધ છે, જેને તાત્કાલિક પુનઃ શરૂ કરી ખેડૂતોને સુરક્ષા આપવી જોઈએ. તેમજ કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં છૂટછાટ આપી ભેજયુક્ત મગફળીની ખરીદી રૂ. 300 પ્રતિ મણના ભાવે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, આવનાર શિયાળુ સિઝનમાં ખાતર તથા બિયારણની અછત ન સર્જાય તે માટે તાત્કાલિક આયોજન કરીને ખેડૂતોને યોગ્ય સહાય પહોંચાડવાની માગણી પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

Read more

← Back to Home