કિસાનસંઘની રજૂઆત:ફોર્મની માથાકૂટમાં પડ્યા વગર આધાર કાર્ડ પર રાહત પેકેજ આપવા માંગ
મોરબી સહિત રાજ્યભરમાં માવઠાના પગલે ખેડૂતોને મોટા આર્થિક સંકટમાં આવી ગયા છે. આવા સંજોગોમાં સરકારે ખેડૂતોને રાહત આપવા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને આ સહાય ઝડપથી અને સહેલાઈથી મળે તે બાબતે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયાએ કૃષિમંત્રીને રજૂઆત કરી છે કે ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર રાહત પેકેજની સહાય ચુકવવામાં આવે. આજના ડિજિટલ યુગમાં સરકાર બધું ડિજિટલ કરવા માગતી હોય તો ખેડૂતોની સહાયમાં કેમ નહિ. હાલમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમાં ફોર્મ ભરવાની માથાકૂટ વગર ખેડૂતોના ખાતામાં આધાર કાર્ડ ઉપર ચૂકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સરકારની જાહેરાત પ્રમાણે 2 હેક્ટરની મર્યાદા એટલે કે 12 વિઘા જમીન ધરાવતા હોય તેવા કિસ્સામાં એક જ ખાતેદાર પાસે પાંચ પાંચ વિઘાના અલગ અલગ જમીન ધરાવતા હોય તેને સહાય ખાલી એક જ ખાતાની મળે છે અને બીજું ખાતું વેબસાઈટની અંદર લેતું નથી અને એ ગામના ખાતેદાર હોય તેવા ખેડૂત ખાતેદાર ફોર્મ માત્ર એક જ ગામમાં આધાર કાર્ડ લેતું હોવાથી ત્યાં બીજા ગામની જમીન સાથે બીજા ગામની જમીન પોર્ટલ પર ઉમેરવાનું ઓપ્શન આપવામાં આવે તો ખેડૂત પોતે પૂરો લાભ લઇ શકે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવી ન પડે. આ ડિજિટલ યુગમાં ખેડૂતો પાસેથી 7-12, 8અ ના ઉતારા લેવામાં આવે છે. જો 8 અ એક જ લેવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય બીજું કે ટૂંક સમયગાળા દરમિયાન ખેડૂતોને અરજી કરવાની હોય તો તે સમય દરમિયાન 7-12, 8અ નું સર્વર સાવ ડાઉન થઈ જાય છે તો તે પણ અગાઉ આયોજન કરવા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા માંગ કરાઈ છે.
