કાશ્મીરમાં એક નવી સવાર:ગુરુદેવ રવિશંકરજી સાથે 20000 યુવાનોએ ડ્રગ્સ-મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી
સાત વર્ષ પછી કાશ્મીરની મુલાકાત લેતા, ગુરુદેવે કહ્યું, “કાશ્મીરના યુવાનોના હૃદય પ્રેમથી ભરેલા છે. તેઓ કાર્યશીલ, કેન્દ્રિત અને ક્ષમતાથી ભરેલા છે.” શ્રીનગર, 11 નવેમ્બર, 2025: સાત વર્ષ પછી, વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ રવિશંકરજી શાંતિ, સાંપ્રદાયિક સંવાદિતા અને તણાવમુક્ત, હિંસામુક્ત અને ડ્રગ્સ-મુક્ત કાશ્મીરના દૂરદર્શિતા રૂપી આશ્વાસન સંદેશ લઈને કાશ્મીરમાં આવ્યા હતા જેની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની આગમનની આતુરતાથી રાહ જોતા હજારો લોકોએ હાર્દિક સ્વાગત કર્યું તેમજ ગુરુદેવનું આવકાર જમ્મુ અને કાશ્મીર સરકારના અધિક મુખ્ય સચિવ (IAS) શાંતમાનુ દ્વારા કરવામાં આવ્યું હતું. કાશ્મીરના યુવાનો સામે વધતી ડ્રગ્સની લત એક ગંભીર પડકાર રૂપે ઉભરી રહી છે. આ પડકાર સામે જાગૃતિ લાવવા માટે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં “એજ્યુયુથ મીટ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ૫૦ કોલેજો અને ચાર યુનિવર્સિટીઓના 20,000થી વધુ વિદ્યાર્થીઓ ગુરુદેવની ઉપસ્થિતિમાં એકત્ર થયા હતા જેમાં સૌએ મળીને ડ્રગ્સ-મુક્ત કાશ્મીર બનાવવાનો સંકલ્પ કર્યો. આ કાર્યક્રમનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અગ્રણી શિક્ષણવિદોને સંબોધતા ગુરુદેવે કહ્યું, “આપણે કાશ્મીરને ડ્રગ્સથી મુક્ત જોઈશું. મારું હંમેશા સ્વપ્ન રહ્યું છે એક હિંસા મુક્ત સમાજ, રોગ મુક્ત શરીર, દુવિધા મુક્ત મન, અવરોધો મુક્ત બુદ્ધિ અને દુ:ખ મુક્ત આત્મા. આ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. હું દરેકના ચહેરા પર સ્મિત જોવા માંગુ છું, એક એવું સ્મિત જે કોઈ છીનવી ન શકે. આ ખરા શિક્ષણની ઓળખ છે.” વ્યસનની સમસ્યાનો અસરકારક ઉકેલ સમજાવતા, ગુરુદેવે કહ્યું, “આનું રહસ્ય પોતાના શ્વાસમાં રહેલું છે. પોતાના શ્વાસ, ધ્યાન અને ચોક્કસ કસરતોની શક્તિનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ સરળતાથી વ્યસનને દૂર કરી શકે છે.” કાશ્મીરને પ્રાચીન જ્ઞાનની ભૂમિ ગણાવતા, ગુરુદેવે આધુનિક ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અને કાશ્મીરી શૈવ ધર્મ સાથે સંકળાયેલા પ્રાચીન પુસ્તક સ્પંદકારિકા વચ્ચે રસપ્રદ સરખામણી કરી હતી. તેમણે કહ્યું, “ધ્યાન કાશ્મીર માટે અજાણી વસ્તુ નથી, તે કાશ્મીરનો વારસો છે. આ ભૂમિએ વિશ્વને ધ્યાન આપ્યું છે, અને તેનો કોઈ ધાર્મિક માન્યતા સાથે કોઈ સંબંધ નથી. ધ્યાન બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને મનને ખુશ રાખે છે.” એકતા અને પોતાનુંપણું જગાડતા, ગુરુદેવે કહ્યું, “આપણે સૌ એક તેજના અંશ છીએ. જ્યારે આપણે તે પ્રકાશ સાથે જોડાઈએ છીએ, ત્યારે કોઈ પણ અજાણ્યું લાગતું નથી. દરેક વ્યક્તિ પોતાનું હોય એવું લાગે છે.આને આપણે જીવવાની કળા કહીએ છીએ.”
