Gujarati News

કમોસમી માવઠાથી રસ્તાઓની હાલત ખખડધજ:રોડ ત્વરિત સારા કરવામાં આવે તેવી લોકમાગ, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું-'38 નવા રોડના કામો મંજૂર, આશરે 50 કરોડનો ખર્ચ થવાનો અંદાજ'

Published: November 7, 2025 • Language: English

ચોમાસા સિઝન દરમિયાન અને ઓક્ટોબર 2025માં જે કમોસમી માવઠું આવ્યું તેને લઈ ભાવનગર શહેરના અનેક રોડ રસ્તાઓ ભારે વરસાદના કારણે ખખડધજ થયા છે. જેમાં શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વાહન ચાલકો અમે સામજિક આગેવાનો ત્વરિત રોડ મરામત અથવા રોડ બનાવવા માગ કરી રહ્યા છે. ત્યારે શાસક પક્ષ દ્વારા 50 કરોડના નવા રોડના કામો મંજૂર કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. બિસ્માર રોડની મરામત કરવામાં આવે તેવી માગ
ભાવનગર શહેરમાં ચોમાસા સિઝનમાં અચાનક કમોસમી વરસાદ બાદ શહેરના અનેક માર્ગો બિસ્માર થયા હતા અને મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે શહેરના જવાહર મેદાનથી આતભાઈ ચોક, રૂપાણી સર્કલથી સંસ્કાર મંડળ, તળાજા જકાતનાકાથી શિવાજી સર્કલ, શિવાજી સર્કલથી સુભાષનગર, ખારગેઇટથી જુનાબંદર રોડ, પાનવાડી સહિત શહેરના અનેક રસ્તાઓ વરસાદના લીધે ખખડધજ થયા છે તેને લઈ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વાહનચાલકો અને રાહદારીઓ બિસ્માર રોડની મરામત કરવામા આવે તેવી માગ કરી રહ્યા છે. શાસકો દ્વારા નવા રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાના સુર પુરે છે ત્યારે હવે જોવું રહ્યું કે મંજૂર કરેલા રોડના કામો ક્યારે હાથ ધરાય છે. ‘રોડ રસ્તાની ફક્ત નોંધ નહીં, પરંતુ તે અંગે વહેલીતકે કામ પણ થાય’
આ અંગે સામાજિક આગેવાન વિપુલ ખુમાણે જણાવ્યું હતું કે, ખરેખર કમોસમી વરસાદ અને માવઠાના કારણે રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય અને ગંભીર છે. નગરજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે એવા સમયમાં BMCની અંદર કર્મચારી દ્વારા એની નોંધ લેવામાં આવી છે, પરંતુ ખાલી નોંધ નહીં પણ એની યોગ્ય મરામત કરવામાં આવે તેવી એક સ્થાનિક યુવા આગેવાન તરીકે હું વિનંતી કરી રહ્યો છું. રોડ રસ્તાની મરામત સમયે કરવામાં આવે અને નિર્દોષ નાગરિકો એનો ભોગ ન બને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવે તેવી હું માંગણી કરી રહ્યો છું. કમોસમી વરસાદના કારણે અમારું કામ અટક્યું હતું: સ્ટેન્ડિંગ ચેરમેન
બિસ્માર રોડ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે જે રીતે ભાવનગરમાં કામ થયું છે. ચોમાસાની અંદર પહેલી વખત ભાવનગરની અંદર વોટર મિક્સથી પેચ વર્ક કરાવ્યા છે. બાકીના રોડના 38 કામો મંજૂર થયા છે, આશરે 50 કરોડના ખર્ચે આ રોડના કામો મંજૂર થયા છે, પરંતું અમે વરસાદ રોકાવાની રાહ જોઈને આ કામો અટકાવ્યા હતા અને આ માટે મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. તેમજ 88000 ચોરસ મીટરની અંદર પેવર બ્લોકનું કામ કરાવવાનું પણ અમારું આયોજન છે, જેના ભાગરૂપે અમે એક મિટિંગ પણ ગોઠવી હતી અને તેમના કોન્ટ્રાક્ટરોને પણ બોલાવ્યા હતા. રબર ગોલ્ડ બ્લોક તાત્કાલિક ફીટ થાય એના માટે એક મિટિંગ કરી હતી. આ ઉપરાંત 39,000 મેટ્રીક ટન ડામરનું કામ કરવા માટે અમે પ્લાનિંગમાં લીધું છે અને મંજૂર કર્યું છે અને ઝડપથી આ કામ પૂર્ણ થશે. ચોમાસા સિઝન પછી પણ કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ડામરનું કામ થઈ ન શકે તે માટે થઈને અમે અટક્યા છીએ. ભાવનગરના આગામી દિવસોમાં તમામ રોડ સુપર રોડ બને તે માટેના અમારા પ્રયાસો છે.

Read more

← Back to Home