Divya Bhaskar Gujarat

ઓવરબ્રિજના ખાંચામાં સંતાડેલો ગાંજો ઝડપાયો:કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર પોલીસે સીડી મંગાવી શોધખોળ કરતા 183 ગ્રામ ગાંજો મળ્યો, આરોપીની ધરપકડ

Published: November 4, 2025 • Language: English

સુરત શહેરની ધમધમતી ઓળખ સમા સૌથી મોટા ઓવરબ્રિજના ખાંચાઓને જ ગાંજા સપ્લાયર ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા હતા. ગાંજા સપ્લાયર DGVCL ઑફિસ સામે આવેલ ઓવરબ્રિજના પિલરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા. આ ઊંચાઈવાળા અને છૂપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસ ટીમે તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલર પર ચઢીને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું જેના પરિણામે રૂ. 9,150ની કિંમતનો 183 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો અને તેનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓવરબ્રિજના ખાંચાઓમાં સંતાડેલો 183 ગ્રામ ગાંજો મળી આવ્યો
સુરતમાં MD ડ્રગ્સ, ગાંજા અને પોશડોડા જેવા માદક પદાર્થોના કેરિયર્સ દિવસ-રાત પોતાની જાળ ફેલાવી રહ્યા છે. આ શખ્સો ગરીબ અને સામાન્ય માણસોને ટાર્ગેટ કરીને તેમનું નેટવર્ક વિસ્તારી રહ્યા છે. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાને માહિતી મળી હતી કે, કાપોદ્રા ડી.જી.વી. સી.એલ. કચેરીની સામે આવેલા ઓવરબ્રિજની નીચે રહેતા અને પડ્યાપાથર્યા રહેતાં કેટલાક અસામાજિક તત્ત્વો ગાંજાનું છૂટક વેચાણ કરે છે. આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે, તેમને કોઈ પણ પ્રકારનો ડર નહોતો. તેઓ ગાંજાનો જથ્થો ઓવરબ્રિજના નીચેના પિલરની ઉપરના ભાગમાં અને બે જોડાણો વચ્ચે આવેલી સાંકડા ખાંચાઓમાં સંતાડતા હતા. અહીંથી ગાંજો શોધવો સામાન્ય રીતે શક્ય નહોતું, કારણ કે આ ભાગ ઊંચાઈ પર હોવાથી ઝડપથી કોઈની નજર પહોંચતી નહોતી. સીડીઓ મંગાવી પોલીસે તપાસ શરૂકરી
માહિતી મળતાની સાથે જ પોલીસે સમય ન બગાડતા તાત્કાલિક સર્ચ ઓપરેશનની યોજના બનાવી. પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચીને, ઓવરબ્રિજના થાંભલાઓની ઊંચાઈ સુધી પહોંચવા માટે ખાસ સીડીઓ મંગાવવી પડી. પી.આઇ. ઔસુરાના માર્ગદર્શનમાં પોલીસે સીડીઓની મદદથી બ્રિજના થાંભલાઓ ઉપર ચડીને ખાંચાઓ અને પિલરના જોડાણવાળા ભાગોને ખંખેરવાનું શરૂ કર્યું હતું. લાંબા અને પડકારરૂપ સર્ચ ઓપરેશન બાદ આખરે પોલીસને ચોંકાવી દેનારી સફળતા મળી હતી. ગાંજો સંતાડનારા શખસની ધરપકડ
પોલીસે તે ખાંચાઓમાં સંતાડેલો 183 ગ્રામ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો, જેની કિંમત આશરે રૂ. 9,150 જેટલી આંકવામાં આવી છે.આ ગાંજો સંતાડનાર અને તેનું છૂટક વેચાણ કરનાર મુખ્ય આરોપી દીપક ઉર્ફે સુકો અનિલ સોનવણે (ઉ.વ. 20)ની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે દીપક ઉર્ફે સુકો કોઈ મોટા ડીલર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવીને અહીં ઓવરબ્રિજના ખાંચામાં સંતાડી રાખતો હતો. ત્યારબાદ, તેના નિયમિત બંધાણી ગ્રાહકોને તે છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 42 નંગ પ્લાસ્ટિકની નાની ઝીપ બેગ પણ કબજે કરી છે, જે દર્શાવે છે કે આ જથ્થો નાના-નાના પેકેટ બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતો હતો.સુરતમાં ગાંજાના બંધાણીઓ સામાન્ય રીતે ચાની લારીઓ કે પાનના ગલ્લાઓ પરથી આસાનીથી ગાંજો મેળવી લેતા હોય છે અને જાહેરમાં સિગરેટમાં ભરીને તેનું સેવન કરતા હોય છે. આ ધરપકડ બાદ પોલીસે હવે સમગ્ર નેટવર્કને તોડી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Read more

← Back to Home