Gujarati News

એસ.એસ.અગ્રવાલ કોલેજમાં સમય બદલાતા વિદ્યાર્થીઓનો વિરોધ:ફિઝીયોથેરાપી બાદ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ મેદાનમાં, ટ્રસ્ટીએ સોમવાર સુધીમાં નિરાકરણની ખાતરી આપી

Published: November 7, 2025 • Language: English

એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સંસ્થાના સમયપત્રકમાં અચાનક કરેલા ફેરફાર સામે સખત વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવા બદલાયેલા સમયને કારણે તેમની દૈનિક દિનચર્યા, પરીક્ષાની તૈયારી અને ખાસ કરીને જાહેર પરિવહન પર નિર્ભર વિદ્યાર્થીઓની સુરક્ષાને ગંભીર અસર પડી રહી છે. ‘દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય’
ફિઝીયોથેરાપી વિભાગના વિદ્યાર્થી પ્રતિનિધિ મિતાલી પટેલે જણાવ્યું કે, તેમનો જૂનો સમય સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યાનો હતો, જે બદલીને હવે સવારે 8:45 થી સાંજે 4:30 કરી દેવામાં આવ્યો છે. ભલે આ ફેરફાર માત્ર 30 મિનિટનો હોય, પરંતુ સાંજે 4:30 વાગ્યે છૂટવાથી દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય છે. ‘છોકરીઓ માટે સુરક્ષાની ગંભીર ચિંતા’
મિતાલી પટેલે વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ સવારે વહેલા નીકળીને સાંજે 6:00થી 8:00 વાગ્યે ઘરે પહોંચતા હતા, તેમને હવે વધુ મોડું થશે. આના કારણે તેમની પરીક્ષાની તૈયારી, ભોજન અને દૈનિક દિનચર્યા ગંભીર રીતે ખોરવાઈ જશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કે, છોકરીઓ માટે રાત્રે મોડેથી ઘરે પહોંચવું એ સુરક્ષાની ગંભીર ચિંતા ઊભી કરે છે. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને આ મુદ્દે ત્રણ વખત લેખિત અરજી આપી હતી, પરંતુ મેનેજમેન્ટે કાં તો અરજી મળી ન હોવાનું જણાવ્યું અથવા તો મામલો ટાળી દેતા કહ્યું કે અડધો કલાકમાં શું જ ફરક પડી જશે? ‘અમને અમારો જૂનો સમય જોઈએ’
આ વિરોધમાં હવે નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. નર્સિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી ટીશાએ માહિતી આપી કે, અન્ય વિભાગોનો નવો સમય 8:45 થી 4:30 છે, પરંતુ તેમના ખાલી નર્સિંગ ડિપાર્ટમેન્ટ માટે જ સમય સવારે 8:30 થી સાંજે 4:30 કરવામાં આવ્યો છે. ટીશાએ કહ્યું કે, અમને અમારો જૂનો સમય જોઈએ, કેમકે બધા વિદ્યાર્થીઓ ધરમપુર, ચીખલી, ઉમરાટ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી આવે છે. હવે વિન્ટરનો ટાઈમ છે, બધા લેટ પહોંચે, અંધારું થઈ જાય તો અમારી સેફ્ટી માટે શું છે? તેમણે મેનેજમેન્ટને જૂનો સમય તાત્કાલિક લાગુ કરવા વિનંતી કરી છે. ટ્રસ્ટી મુકેશ અગ્રવાલની ખાતરી
આ મામલે એસએસ અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચે મીટીંગ થઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, આ મામલે સોમવાર સુધીમાં સુખદ નિરાકરણ લાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની માંગ મુજબ જુનો સમય લાગુ પડે તે દિશામાં વિચારણા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ પર યોગ્ય નિર્ણય લેવા દબાણ કરવા માટે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે.

Read more

← Back to Home