Gujarati News

'ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?':શક્તિસિંહનું સરકાર પર સીધુ નિશાન; કૃષિમંત્રી ભાવનગરની પીડા નો સમજતા હોય તો રાજ્યની પીડા કેમ સમજી શકેઃ જેનીબેન

Published: November 9, 2025 • Language: English

કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગતરોજ સાંજે (8 નવેમ્બર) આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીને આડેહાથ લેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, કૃષિમંત્રી ભાવનગરના પનોતા પુત્ર છે, જો તેઓ ભાવનગરની પીડા ન સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે! આ સભામાં પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતાં. ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોતા પુત્ર છે. જો કૃષિમંત્રી ભાવનગરની પીડા ના સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે? આ સાથે જ ખેડૂતોને હાકલ કરતા જેનીબેને કહ્યું હતું કે, મંત્રીના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે તમે ભાવનગરના પુત્ર છો, પહેલા ભાવનગરને ન્યાય આપજો. આ કાર્યક્રમમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર હતા તેમને પણ સરકારની પાક વીમા પોલિસી ઉપર સવાલો ઉઠાવ્યા હતાં. સાથે સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈ પણ કટાક્ષ કર્યો હતો. ખેડૂતોને પોતાના માટે અવાજ ઉઠાવવા અને સરકાર સામે મોરચો માંડવા પણ હાકલ કરી હતી. પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2027 સુધીમાં ભાજપ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જ પડશે, આની માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ પણ આપે તે પ્રકારની રણનીતિ જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર તેમજ બોટાદ, અમરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, તેની માટે સભા યોજાઈ હતી. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાક વીમા પોલિસી તેમજ કૃષિ રાહત પેકેજને સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઊતરશે અને ભાજપ સરકારને ધેરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ વિવિધ જિલ્લાઓમાંથી પહોંચ્યા હતા. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મામુલી રકમ જ મળવા પાત્ર છે, જેના કારણે ખેડૂત પગભર પણ થઈ શકે તેવું આ કૃષિ રાહત પેકેજ નથી. આ ઐતિહાસિક નહિ લોલીપોપ વાળું રાહત પેકેજ છે.

Read more

← Back to Home