Gujarati News

ઇઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામનો ભંગ કરી હુમલો કર્યો:104 લોકોના મોત, આમા 46 બાળકો; ટ્રમ્પે હુમલાને ટેકો આપ્યો

Published: October 29, 2025 • Language: English

ગાઝામાં યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલે ફરી એકવાર હવાઈ હુમલો કર્યો છે. 46 બાળકો સહિત ઓછામાં ઓછા 104 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 253 ઘાયલ થયા છે. 9 ઓક્ટોબરથી ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી આ સૌથી મોટો હુમલો છે. જોકે, ઇઝરાયલી સૈન્યએ પાછળથી જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ઇઝરાયલે શરૂઆતમાં દાવો કર્યો હતો કે હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ગાઝામાં તહેનાત તેના સૈનિકો પર હુમલો કર્યો છે. આ કાર્યવાહીના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, હમાસે આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું છે. ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝા સિટી, ખાન યુનિસ, બેઇટ લાહિયા અને અલ-બુરૈજ જેવા ગીચ વસતિવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી હુમલાને ટેકો આપ્યો છે, એમ કહીને કે ઇઝરાયલે તેના સૈનિકની હત્યા બાદ બદલો લીધો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલો યુદ્ધવિરામને ખતરો આપતો નથી અને કહ્યું હતું કે હમાસે સંયમ રાખવો જોઈએ. હમાસ લડવૈયાઓ દ્વારા રચાવેલ નાટકને કારણે ઇઝરાયલે હુમલો કર્યો સોમવારે રાત્રે હમાસે એક ઇઝરાયલી બંધકના અવશેષો ધરાવતું શબપેટી પાછું આપ્યું. બાદમાં, તપાસમાં જાણવા મળ્યું કે તે ઓફીર ઝારફાતીનું હતું, જેને ઇઝરાયલી સેનાએ ડિસેમ્બર 2023માં શોધી કાઢ્યું હતું. એક વીડિયો બહાર આવ્યો છે જેમાં હમાસ લડવૈયાઓ એક ઇમારતમાંથી ઝારફાતીના અવશેષો કાઢીને એક મોટા ખોદેલા ખાડામાં મૂકે છે. ત્યારબાદ તેઓએ શરીરની થેલીને માટીથી ઢાંકી દીધી. ત્યારબાદ તેઓએ રેડ ક્રોસ સમક્ષ નાટક કર્યું કે તેઓએ તેને પહેલીવાર શોધી કાઢ્યો છે. આખી ઘટના ઇઝરાયલી ડ્રોન દ્વારા કેમેરામાં કેદ થઈ ગઈ. આનાથી ઇઝરાયલીઓ ગુસ્સે થયા. તેઓ માનતા હતા કે હમાસ જાણી જોઈને ખોટું બોલી રહ્યો છે અને ઇઝરાયલની મજાક ઉડાવી રહ્યો છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ બાબતે ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક બોલાવી અને હુમલો કરવાનો આદેશ આપ્યો. જુઓ વીડિઓ… ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ કહ્યું – હમાસે ‘રેડ લાઈન’ ક્રોસ કરી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હમાસ પર ગાઝામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો અને મૃત બંધકોના મૃતદેહો પરત કરવાના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે હમાસે રેડ લાઇન ક્રોસ કરી છે અને હવે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. આ દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને હમાસ સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, હમાસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તેનો કોઈપણ હુમલા સાથે કોઈ સંબંધ નથી અને તે યુદ્ધવિરામનું પાલન કરે છે. હમાસ પર ખોટી લાશ પરત કરવાનો પણ આરોપ નેતન્યાહૂએ હમાસ પર યુદ્ધવિરામ કરાર હેઠળ મૃતદેહોને અયોગ્ય રીતે પરત કરવાનો આરોપ પણ લગાવ્યો, અને તેને તે કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું જેમાં હમાસને શક્ય તેટલી વહેલી તકે તમામ ઇઝરાયલી બંધકોના મૃતદેહો પરત કરવાની જરૂર હતી. આ દરમિયાન ઇઝરાયલી હુમલાને કારણે હમાસે કેદીઓના મૃતદેહ પરત કરવાનો પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો છે. મંગળવારે અગાઉ હમાસે કહ્યું હતું કે તે બીજો મૃતદેહ પરત કરશે. ખાન યુનિસમાં એક ખાડામાંથી એક સફેદ બેગ કાઢીને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવી હતી, પરંતુ તેમાં શું છે તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું. ગાઝામાં 13 બંધકોના મૃતદેહ હજુ પણ છે. હમાસનું કહેવું છે કે વિનાશ એટલો ગંભીર છે કે તેમને શોધવા મુશ્કેલ છે. ઇઝરાયલ હમાસ પર શોધમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવે છે. ઇજિપ્તે શોધમાં મદદ કરવા માટે નિષ્ણાતો અને ભારે મશીનરી મોકલી છે. ઇઝરાયલ ગાઝામાં માનવતાવાદી સહાય અટકાવી શકે છે ઇઝરાયલી મીડિયા અનુસાર, નેતન્યાહૂ ગાઝાને માનવતાવાદી સહાય રોકવા, કબજો લંબાવવા અથવા હમાસ નેતાઓ પર હવાઈ હુમલા કરવા જેવા અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યા છે. આ દરમિયાન મંગળવારે સવારે ઇઝરાયલી દળોએ વેસ્ટ બેંકનાં જેનિન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ પેલેસ્ટિનિયન લડવૈયાઓને મારી નાખવામાં આવ્યા હતા, જે ઇઝરાયલનું કહેવું છે કે તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ દરમિયાન, હમાસે બેને તેના કાસિમ બ્રિગેડના સભ્યો તરીકે વર્ણવ્યા હતા. તેણે ત્રીજાને સહયોગી તરીકે વર્ણવ્યો હતો પરંતુ વધુ વિગતો આપી ન હતી. ઇઝરાયલ કહે છે કે તે વેસ્ટ બેંક આતંકવાદ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જોકે, પેલેસ્ટિનિયનો અને માનવાધિકાર જૂથોનું કહેવું છે કે નિર્દોષ લોકો પણ માર્યા જઈ રહ્યા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. ટ્રમ્પે ઇજિપ્તમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા ગાઝા યુદ્ધનો અંત લાવવા માટે 29 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20-મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી હતી. આ યોજનામાં હમાસનું શરણાગતિ સૌથી મહત્વપૂર્ણ શરત છે. ત્યારબાદ ટ્રમ્પે 13 ઓક્ટોબરના રોજ ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. 20 થી વધુ દેશોના નેતાઓ હાજર હતા, પરંતુ ઇઝરાયલ અને હમાસને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બે વર્ષના યુદ્ધમાં 68,500 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.

← Back to Home