Gujarati News

આરોગ્ય કેન્દ્રમાં નર્સની ઘોર બેદરકારી:રાજકોટનાં નાનામૌવા ખાતે વીડિયો કોલમાં મશગૂલ નર્સે બાળકનું ઇન્જેક્શન તૈયાર કર્યું ! આરોગ્ય અધિકારીએ આપ્યા તપાસનાં આદેશ

Published: November 10, 2025 • Language: English

રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. જેમાં નર્સ ફરજ દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નર્સનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ ફોનમાં હોવાને કારણે બાળકની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. સમગ્ર મામલે મનપાનાં આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં થયેલી આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુરશી પર બેસીને પોતાના મોબાઈલ ફોન પર વીડિયો કોલ પર વાત કરી રહી છે. તે સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે, જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વીડિયો કોલ પરની વાતચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા પર જરા પણ નથી. વીડિયોમાં દેખાય છે કે નર્સ વીડિયો કોલ જોઈને હસી રહી છે અને વાતચીત કરી રહી છે, જ્યારે તેનો હાથ યાંત્રિક રીતે ઇન્જેક્શન તૈયાર કરી રહ્યો છે. આ પ્રકારે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું એ બાળક માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ સમયે બાળકના વાલી પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મ્યુ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થતાની સાથે જ નાનામૌવા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે વીડિયોમાં દેખાતા નર્સને પણ સાંજે હાજર થવા માટે જણાવાયું છે. ડો. વાંકાણીએ ખાતરી આપી હતી કે, નર્સને પૂછવામાં આવશે કે આ વીડિયો ક્યારનો છે અને શા માટે તેઓ કામ છોડીને મોબાઈલમાં ધ્યાન આપી રહ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો તપાસમાં કોઈપણ પ્રકારની બેદરકારી હોવાનું સામે આવશે, તો તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં સસ્પેન્શન કે અન્ય શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. કામના સમય દરમિયાન આવી કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી પર મોટો સવાલ ઊભો કર્યો છે. આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓ, ખાસ કરીને બાળકો, સંપૂર્ણપણે કર્મચારીઓના ભરોસે હોય છે. ઇન્જેક્શન જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન બેદરકારીના કારણે બાળકના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે નર્સ સામે ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

Read more

← Back to Home