આમલેટની દુકાન અને પંકચરની દુકાનો પરથી પકડાયો ગાંજો:હવે આમલેટની લારી અને પંકચરની દુકાન ગાંજાના અડ્ડા બન્યાં, 3 ઝડપાયા
શહેરમાં લારી ગલ્લા તો ઠીક હવે આમલેટની દુકાન અને પંકચરની દુકાનો પર પણ ગાંજો વેચાઇ રહ્યો છે. ડિંડોલીમાં પંકચરની દુકાન પરથી અને ઉત્રાણમાં આમલેટની લારી પરથી ગાંજો પકડાયો છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતીકે, ઉત્રાણ વીઆઇપી સર્કલ એલીટા સ્કવેર પાસે પતરાના શેડમાં આમલેટની લારી પર ગાંજો વેચાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી લારી ચલાવતા મોહિત નાગેશ્વર મહાજન (દિવ્યલોક એપાર્ટમેન્ટ રાજપુત ફળિયા ઉત્રાણ) અને ચિરાગ સાગર સોલંકી (કિર્તીનગર ઉત્રાણ)પાસેથી 66.62 ગ્રામ ગાંજો મળ્યો હતો. બંને જણા ભાગીદારીમાં આમલેટની લારીની આડમાં ગાંજો વેચતા હતા. નવાગામ ડિંડોલી મણીનગર રેલવે ટ્રેક પાસે સાયકલ રિપેરીંગ અને પંકચરની દુકાન પર ગાંજો વેચાઇ છે. પોલીસે દરોડા પાડી દુકાન ચલાવનાર રાધાકાંત ભોલા પ્રસાદ પાસેથી રૂ.40,200ની કિંમતનો 804 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોબાઇલ ફોન મળીને કૂલ રૂ.45,880ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ કતારગામ ઉત્કલનગર રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યા હોવાનું અને છુટક વેચતા હોવાની કબુલાત કરી હતા. ઉત્રાણ, ડિંડોલી સહિત 3.20 લાખનો ગાંજો જપ્ત
શહેર પોલીસમાં દ્વારા એક જ દિવસમાં 3.20 લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. જેમાં ડિંડોલી પોલીસે રૂ.40,200, ઉત્રાણ પોલીસે રૂ.3,351નો, વરાછા પોલીસે પાટીચાલમાંથી રૂ.2.76 લાખનો અને ભેસ્તાન પોલીસે રૂ.10,600ની કિમતનો ગાંજો પકડી પાડ્યો હતો.
