'આપ' અને 'બાપ' બંને એક જ માની પેદાશ:'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનમાં ધાનાણીનો બાટલો ફાટ્યો- 'ખેડૂતોના 50 હજારના નુકસાન સામે ઈટાલિયાએ 8 હજારના વળતરની વાતો કરી'
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. પરેશ ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા. જે બાદ શીંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માંગ કરી હતી. ‘ખેડૂતોને વિઘે 50 હજારનું નુકસાન થયું’
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વિઘો ઉત્પાદન માટે 17 હજાર 200ને 35 રુપિયા ખર્ચ કરી ચુક્યા છે. વિઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોને વિઘે 50 હજારનું નુકસાન થયું છે. ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ માની પેદાશ
ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ જમાવ્યું કે આ ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ માની પેદાશ છે. બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેકટરે 50 હજાર રુપિયા. એટલે કે એક વિઘાના 8 હજાર રુપિયા જાહેર કરશે તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઇશ. ‘ગોપાલભાઇ તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધુ?’
ઇટાલિયાને સવાલ પુછતાં ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતે વિઘે 17 હજાર ખર્ચ કર્યો અને એની સામે માત્ર 8 હજાર રુપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મુકી શકશો નહીં. ભાઇ ગોપાલ, તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધુ હોય તો કંઇ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને એક વિઘે 50 હજારનું નુકસાન ગયું છે તેનું પેકેજ નક્કી કરવા માટેનો અધિકાર જગતના તાતનો છે. તમારે ગીરવે મુકાવું હોય તો ભલે મુકાઓ પણ ખબરદાર કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મુકવાનું કામ કર્યું છે તો ખેડૂતો તમને માફ નહી કરે. ‘મારા પપ્પા પર 70 લાખનું બેંકનું દેવું છે’
ખેડૂત ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, હું મારા ઘરનો તમને દાખલો આપુ તો આજે પણ મારા પપ્પા ખેતી કરે છે. એમને 70 વર્ષ થયા તો મેં એમને કીધુ કે પપ્પા હવે આ ધંધો મૂકોને તો એમણે મને બેંકની પાસબુક આપીને મને કીધુ કે તું મારૂ દેવું ભરી દેજે મારે ખેતી નથી કરવી. મેં પાસબુક જોઇ તો એમાં 70 લાખનું દેવું હતું, આથી મેં મારા પપ્પાને પુછ્યું કે પપ્પા આટલું દેવું કર્યું કેમ? તો એમણે કીધુ કે આ દેવું ખેતીમાં થયું છે, તમને માનવામાં ન આવે તો મારા ઘરે આવીને ચેંક કરજો. ‘ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય અને…’
પ્રતાપ દૂધાતે વધુમાં જણાવ્યું કે, મનમોહનની સરકારમાં કપાસના ભાવ 1400 રુપિયા હતા, શીંગના ભાવ 900 રુપિયા હતા. સોયાબીનના ભાવ વર્ષ 2014માં હતા, ત્યારે ખાતરનો શું ભાવ હતો? ત્યારે બિયારણ કે ટ્રેક્ટરનો શું ભાવ હતો? એ ભાવ અને આજનો ભાવ કમ્પેર કરજો એટલે ખેડૂતોની વેદના સમજાશે. ત્યારે ખેડૂતોના ઉત્પાદનનો ભાવ વધુ મળતો હતો ને સામે બિયારણ કે અન્ય વસ્તુંનો ભાવ ઓછો હતો અને એની સામે આજે ઉલ્ટું થઇ ગયું છે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય છે અને સામે ખાતરના ભાવ વધતા જાય છે. હાથમાં ચીઠ્ઠી વાંચીને ખેડૂતોના નુકસાનનો હિસાબ માંડ્યો
આજથી વડિયાથી શરૂ થયેલા કોંગ્રેસના ‘ખેડૂત સત્યાગ્રહ’માં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિત કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ હાથમાં ચીઠ્ઠી વાંચીને ખેડૂતોને થયેલા નુકસાનનો હિસાબ માંડ્યો હતો. સાથે બંને કોંગી નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર ખેડૂતોના સવાલોને લઇને આક્ષેપ કર્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક સહાય અને દેવા માંફીની માંગ સાથે હાથમાં શીંગ-કપાસના ઝીંડવા માથે ઉપાડી મામલતદાર કચેરીમાં પહોંચી મામલતદારના ટેબલ ઉપર રાખી ખેડૂતો માટે માંગ કરી હતી.
