આપઘાતનો પ્રયાસ કરનાર દર્દીનું સારવાર દરમિયાન મોત:8 નવેમ્બરે સયાજી હોસ્પિટલમાં AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદ્યો હતો
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળેથી ગત 8 નવેમ્બરના રોજ દર્દીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દર્દી 5 નવેમ્બરે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા સારવાર લઈ રહ્યો હતો. દરમિયાન પહેલા માળેથી બારીમાંથી છલાંગ લગાવી મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે ઓર્થો વિભાગના SICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે(12 નવેમ્બર) વૃદ્ધે દમ તોડ્યો છે. હાલમાં વૃદ્ધના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પહેલા માળે ડી વન વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદકો માર્યો
વડોદરા શહેરના ખોડિયારનગર ન્યૂ વીઆઇપી રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ઓર્થો બી 1 યુનિટમાં સારવાર હેઠળ હતા. તેઓએ સવારે પોતાનો દીકરો ઘરે ગયો તે દરમિયાન સર્જિકલ બિલ્ડીંગમાં પહેલા માળે ડી વન વોર્ડમાં સ્પેશિયલ રૂમની બારીમાંથી કૂદકો માર્યો હતો. ઘટના બાદ સ્પેશિયલ રૂમને તાળા લગાવી દેવાયા
આ ઘટના બાદ સયાજી હોસ્પિટલના તે વોર્ડમાં આવેલા સ્પેશિયલ રૂમને તાળા લગાવી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ અંદર પ્રવેશી ચકાસણી ન કરે. આ રૂમ પર દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું અને જે બારીમાંથી કૂદકો માર્યો હતો તે જગ્યાનો તાગ મેળવ્યો હતો. આ જગ્યા પર એસી યુનિટ માટે બારીના સળિયા કાપ્યા બાદ વર્ષોથી ફિટ ન કરતા દર્દીને મોકો મળ્યો હતો. પોલીસ તપાસ ચાલુ છે જેથી દર્દીની વિગત આપી શકું નહીં
તે સમયે સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ દર્દી ઓર્થો વિભાગમાં સારવાર અર્થે આવ્યા હતા અને દર્દીએ સારવારવાળી જગ્યાએથી કૂદી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. દર્દીની સ્થિતિ હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે જેથી દર્દીની વિગત આપી શકું નહીં. આ દર્દી અકસ્માત કેસમાં સારવાર લઈ રહ્યો હતો. PIU વિભાગ પર દોષનો ટોપલો ઢોળી RMO છટક્યા
વધુમાં કહ્યું કે, સેફ્ટી અંગેના પ્રશ્નને લઈ પિઆઇયુ વિભાગની જવાબદારી છે. તે બાબતે તેઓજ ચોક્કસ જવાબ આપી શકશે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તો તેઓની સામે પણ જરૂર કરીશું. આ મેન્ટેનન્સ કામ PIU વિભાગનું હોવાનું કહી સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણ પોતાની જવાબદારીમાંથી છટક્યા હતા.
