અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો:ચીખલીમાં ડ્રાઇવર સાથે મારામારી કરી બસની ચાવી છીનવી છૂ 2 શખ્સ ઝડપાયા
ચીખલીમાં વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ ખાનગી બસના ચાલક સાથે માથાકૂટ કરી બસની ચાવી લઈ ફરાર થઇ જનાર બે શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ચાવી પરત લીધી હતી. લાંબો સમય ડ્રામા ચાલતા મુસાફરો અટવાવા સાથે ટ્રાફિક જામ પણ થયો હતો. વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી જય દ્રારાકેશ ટ્રાવેલ્સની બસ (નં-જીજે-૦૩-બીવાય-૯૮ ૬૪) ના ડ્રાઇવર અને ક્લીનર પર ગાળા-ગાળી કરી માર મારી તેમજ બસની ચાવી છીનવીને ફરાર થઈ ગયેલા બે શખ્સોને ચીખલી પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ ચીખલી ચાર રસ્તા પાસે રોંગ સાઇડે આવી રહેલા શખ્સે બસ ચાલક સાથે દલીલબાજી કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાદમાં બસના ડ્રાઇવર-ક્લીનરને માર મારી બસની ચાવી લઈને ભાગી ગયો હતો. આ બનાવના કારણે બસમાં સવાર મુસાફરો આશરે બે કલાક સુધી અટવાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પેચ વર્કનું કામ ચાલતું હોવાથી હાઈવે પર વાહનોની લાંબી લાઇન લાગતા વાહન ચાલકો સર્વિસ રોડના ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગ ડાયવર્ટ થયા તે દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ પીઆઇ-ડી.એસ.કોરાટ, સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ફરાર શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી બસની ચાવી પરત મેળવી બસ ચાલકને સોંપી હતી. હવે પોલીસ આ બંને સામે કેવી કાયદાકીય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું હતું.
