અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 20 નવેમ્બરથી 'ભારત ટેક્સી' શરૂ થશે:કમિશન નહીં આપવું પડે, સંપૂર્ણ કમાણી ડ્રાઈવરના ખિસ્સામાં જશે, ઘટી શકે છે કાર રેન્ટ
ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવા શરૂ થવા જઈ રહી છે. દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહી છે અને ડિસેમ્બરમાં રેગ્યુલર શરુ થશે, જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક બનશે. ‘ભારત ટેક્સી’ એ રાષ્ટ્રીય સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવર્સ સહ-માલિકો બનશે.હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવર્સને પોતાની કમાણીનો 25 ટકા જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીને આપી દેવો પડે છે. તેની સામે ‘ભારત ટેક્સી’ ‘નો કમિશન મોડેલ’ પર આધારિત છે. ડ્રાઇવર્સને એક નક્કી કરેલી ફી સિવાય વધારાનું કોઈ કમિશન આપવું નહીં પડે, જેના કારણે દરેક સવારીની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. ડ્રાઇવર્સને સન્માન સાથે ‘સારથી’ નામ આપવામાં આવશે જે તેમના પદને ગૌરવ અપાવશે. હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ઊંચા ભાડા, પીક અવર્સમાં ગરજ પ્રમાણે થતી વધારે વસૂલાત અને મુસાફરોની સલામતીના પ્રશ્નો જેવી અનેક ફરિયાદો ઊઠી રહી છે. ભારત ટેક્સીના લોન્ચિંગનો મુખ્ય હેતુ આ બધી ફરિયાદોને દૂર કરીને મુસાફરોને ભરોસાપાત્ર અને પોસાય તેવી રાઈડ પૂરી પાડવાનો છે. આ સેવામાં મહિલા ડ્રાઇવર્સને પણ જોડીને મહિલા સુરક્ષાના મુદ્દાને પણ મહત્ત્વ આપવામાં આવશે. ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ ડિસેમ્બર મહિનામાં દિલ્હી ખાતે 650 જેટલા ડ્રાઇવર્સ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. સફળ પાયલોટિંગ બાદ દેશના અન્ય ભાગોમાં પણ આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.ગુજરાત માટે પણ મહત્ત્વની વિગત એ છે કે, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ સહકારી ટેક્સી સેવા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે કેબ એગ્રીગેટર લાયસન્સ લેવું જરૂરી હોય છે.જેને લઈને રાજ્યના સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારનું લક્ષ્ય ઝડપથી લાયસન્સ મેળવીને રાજ્યમાં આ આર્થિક અને સામાજિક રીતે સશક્તિકરણ કરતી ટેક્સી સેવાનો પ્રારંભ કરવાનો છે.’ભારત ટેક્સી’ ભારતમાં પરિવહન ક્ષેત્રે એક નવો યુગ લાવશે, જ્યાં ટેક્નોલોજી, સહકાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો એકસાથે કામ કરશે.
