અમદાવાદમાં 9 નવેમ્બરથી પદયાત્રાનું આયોજન:સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં 'એકતા માર્ચ'નો પ્રારંભ
દેશની એક્તા અને અખંડિતતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબર 2025ના રોજ 150મી જન્મજયંતી હતી. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં એક્તા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં પણ દરેક વિધાનસભામાં આશરે 5થી 8 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 9 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીમાં દરેક વિધાનસભામાં એક્તા માર્ચનું (પદયાત્રા) આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 9 નવેમ્બર 2025ના રોજ નિકોલ ખાતેથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એકતા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કરમસદથી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન
અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, એકતા યાત્રા દરમિયાન રુટ પર આવતા તમામ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ અને માલ્યાર્પણ થાય તેવા પ્રયાસ અને આયોજન કરાયું છે. યાત્રા મારફતે આત્મનિર્ભર ભારતનો સંદેશ આપવામાં આવશે. 562 રજવાડા જેમ સરદાર સાહેબે એક કર્યા હતા એમ દરેક યાત્રામાં 562 વૃક્ષો વાવવામાં આવે તેવું આયોજન કરાયું છે. કરમસદથી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી મહાનુભાવો આવી આ યાત્રાનો હિસ્સો બનશે. દેશની 542 લોકસભામાંથી યુવાનો યાત્રામાં જોડાશે સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે
દરેક એક્તા માર્ચમાં તે વિધાનસભામાં આવતા વિવિધ સમાજના આગેવાન, 150થી વધુ યુવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. પદયાત્રામાં આત્મનિર્ભર ભારતનો સંદેશ આપવામાં આવશે સાથે જે તે વિધાનસભામાં રહેતા સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. “સૌના સરદાર, હિંદના સરદાર” સુત્રને ચરિતાર્થ કરતાં યાત્રામાં સર્વ સમાજ સાથે જોડાઈને એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. વધુમાં વધુ લોકો એકતા માર્ચમાં જોડાય તેવી અપીલ
દેશની આઝાદીમાં અને રાજા-રજવાડાઓમાં વહેંચાયેલા આપણા દેશને એક તાંતણે બાંધવામાં સરદાર સાહેબનું મહત્વનું યોગદાન રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે હરહંમેશ સરદાર સાહેબના યોગદાનને યાદ કરીને વિવિધ કાર્યક્રમોના મારફતે પ્રજાજન સુધી તેમના વિચારોને પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારે દરેક આ એકતા માર્ચમાં જોડાય એવી અપીલ પણ કરવામાં આવી હતી.
