Gujarati News

અમદાવાદમાં રહેણાંક ફલેટોની વધતી જતી કિંમત:ફલેટના પેટે ચુકવેલ રકમ 2014થી વાર્ષિક 12 ટકાના વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક કોર્ટનો હુકમ

Published: November 10, 2025 • Language: English

અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (ગ્રામ્ય)એ નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ને મોટો ઝટકો આપ્યો છે. કમિશનના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય ડી.એમ. સોનીએ ફરિયાદી ચિમનભાઇ મોહનભાઇ વાળાની અરજી મંજૂર કરી, ફ્લેટના અવેજમાં ચૂકવેલ ₹3,45,600 (તા. 24.12.2014થી) વાર્ષિક 12% વ્યાજ સાથે તેમજ ₹15,000 ખર્ચ અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે. નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશું
અમદાવાદ શહેરના સ્વામિનારાયણ પાર્ક પાસે, હરિદર્શન ક્રોસ રોડ, નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફાસ્ટ્રકચર પ્રા. લી. દ્વારા 50 ચો.વારના એફોર્ડેબલ ફલેટસ રૂ.7,55,000/- માં વેચાણ કરવાની સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. ફરિયાદી ગ્રાહકે ફલેટ નં.જે-304 બુક કરાવ્યો અને એડવાન્સ EMI દ્વારા નિયમિત અવેજ ચુકવતા હતા પરંતુ, બિલ્ડર દ્વારા બાંધકામનો પ્રોગ્રેસ નહી થતા નાછુટકે EMI ચુકવવાનું બંધ કરવાની ફરજ પડી હતી અને ફરિયાદીએ બુકિંગ કેન્સલ કરાવી જમા રકમ પરત માગી પરંતુ, બિલ્ડર દ્વારા નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશુ એવો જવાબ આપ્યો. અસહ્ય વિલંબ બાદ રકમ પરત કરી નહી. જેથી, ચિમનભાઇ વાળાએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી જમા રકમ વ્યાજ અને ખર્ચા સાથે પરત મેળવવા દાદ માંગી લેખિત અને મૌખિક રજુઆત કરી. ગ્રાહક સુરક્ષા સમિતિએ બિલ્ડરને 12 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યો
ગ્રાહક કમિશને અવલોકન કર્યું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેણાંક ફલેટોની કિંમતો ઉત્તરોત્તર ખુબ જ વધી રહી છે. તે સંજોગોમાં ફરિયાદીએ સામાવાળાને ચૂકવણી કરેલી રકમ પ્રવર્તમાન ભાવ તેમજ વલણ પ્રમાણે ફલેટ ખરીદવા માટે ખૂબ જ અપૂરતી નિવડે તે રીતે બિલ્ડરે ફરિયાદી દ્વારા ચૂકવણી કરેલી રકમ પરત નહી કરીને ગ્રાહકને ખુબ મોટુ આર્થિક નુકશાન કરેલ હોવાનું ફલિત થાય છે. જે ચોક્કસ રકમમાં નિર્ણિત કરી શકાય તેમ ન હોય ફરિયાદીને વ્યાજરૂપે વળતર આપવું યોગ્ય અને વ્યાજબી જણાય છે. આથી છેલ્લે ચુકવેલી રકમ તા.24.12.2014 થી ખરેખર ચુકવી આપવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે વાર્ષિક 12 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, બિલ્ડરો અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરે છે. ગ્રાહક કમિશનનો ચુકાદો આવકારદાયક અને પ્રશંસનીય છે, બદમાશ અને લેભાગુ બિલ્ડરને લપડાક મારવામાં આવી છે. ગ્રાહકોની બચતની કિંમતી મુડી પચાવી પાડી ઘરના ઘરનું સ્વપ્ન છિન્નભિન્ન કરનાર બિલ્ડરને ફટકાર છે. વધુ ને વધુ ગ્રાહકો નિર્ભયતાપૂર્વક ન્યાય મેળવવા આગળ આવે તે જરૂરી છે.

Read more

← Back to Home