અમદાવાદમાં ડબલ ઋતુનો કહેર:ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 253 અને કમળાના 199 કેસ નોંધાયા; AMCનો વોટ્સએપ ફરિયાદ નંબર ફરી શરૂ
અમદાવાદ શહેરમાં ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ અને પાણીજન્ય રોગોમાં કમળાના 199 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, ઝાડા-ઉલ્ટીના 241 અને ટાઇફોઇડના 223 કેસ નોંધાયા હતા, જોકે કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાથી તંત્રને રાહત થઈ હતી. બીજી તરફ, વાયરલ ફીવરના કેસોમાં પણ વધારો થતાં AMC સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં એક જ દિવસમાં 1,475 જેટલા દર્દીઓ નોંધાયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે, AMC દ્વારા નાગરિકોની સુવિધા માટે ટેક્નિકલ કારણોસર બંધ પડેલી રોડ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ માટેની વ્હોટ્સએપ ફરિયાદ સેવાને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કોલેરાનો એક પણ કેસ ન નોંધાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર માસમાં શહેરમાં કમળાના 199 કેસ સામે આવ્યા છે. ઝાડા-ઉલ્ટીના 241 કેસ અને ટાઈફોઈડના પણ 223 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કોલેરાના 103 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવતા કોર્પોરેશન દ્વારા 5387 પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 10 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. આ સાથે ચાલુ વર્ષે પાણીના કુલ 66 હજાર કરતા વધુ સેમ્પલની ચકાસણી કરાઈ હતી અને તેમાંથી 577 સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. મચ્છરોની ઉત્પત્તિ જણાતી 8 બાંધકામ સાઈટો સીલ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કમોસમી વરસાદના પગલે મચ્છરજન્ય રોગો અટકાવવા માટે શહેરમાં આવેલી બાંધકામ સાઈટો ઉપર તપાસ કરવામાં આવી હતી. શહેરના ગોતા વિસ્તારમાં બની રહેલા નવા ફાયર સ્ટેશન બાંધકામ સાઈટ, શાહીબાગમાં કલાસાગર હાઇટ્સ, નિકોલમાં કાઇટ વ્યુ, વટવામાં વિનાયક ટ્રેડ સેન્ટર સહિતની કુલ 8 જેટલી બાંધકામ સાઈટો ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધુ જણાઈ આવી હતી. જેના કારણે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1063 જેટલી બાંધકામ સાઇટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 215 બાંધકામ સાઈટોને નોટિસ આપીને 4.86 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો હાહાકાર જોવા મળ્યો
પાણીજન્ય રોગચાળા સાથે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો હાહાકાર જોવા મળ્યો છે. ઓક્ટોબર માસમાં શહેરમાં ડેન્ગ્યૂના 253 કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યા 1437 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 84 અને ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા છે. જ્યારે ચીકનગુનિયાનો એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. ડેન્ગ્યૂના 253 કેસ સામે આવતા કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ઓક્ટોબર માસમાં 4943 સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 67 હજાર કરતા વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. ટેક્નિકલ કારણોસર બંધ થયેલો વ્હોટ્સએપ નંબર ફરી શરૂ
રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની અલગ અલગ પ્રાથમિક સુવિધાની ફરિયાદો શહેરીજનો કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લીમીટેડના CCRS પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ ફરિયાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. વ્હોટ્સએપ નંબર 7567855303 ટેક્નિકલ કારણોસર બંધ થયા બાદ હવે સુધારીને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી, હવે નાગરિકો ફરીથી રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓ અંગેની ફરીયાદો સરળતાથી નોંધાવી શકશે. તાવ, શરદી, ઉધરસ સહિતના 1475 દર્દીઓ નોંધાયા
ચોમાસા અને શિયાળા એવી ડબલ ઋતુના કારણે લોકોમાં વાઇરલ ફીવરના કેસો વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1475 જેટલા તાવ શરદી ઉધરસ સહિતના કેસોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે.
